ભારતમાંથી પાકિસ્તાનમાં પડેલી મિસાઈલ એક અકસ્માતઃ અમેરિકા

વોશિંગ્ટનઃ અમેરિકાએ જણાવ્યું છે કે ભારતમાંથી હાલમાં એક મિસાઈલ છૂટીને  પાકિસ્તાનની ધરતી પર પડવાની ઘટના માત્ર એક અકસ્માત હતી અને એમાં બીજું કોઈ કારણ હોવાનો સંકેત મળ્યો નથી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા નેડ પ્રાઈસે ગઈ કાલે એમની દૈનિક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, મિસાઈલ છૂટવાની એ ઘટના એક અકસ્માત સિવાય બીજું કંઈ નહોતું એ તમે અમારા ભારતીય સમોવડિયાઓ તરફથી સાંભળ્યું જ છે અને અમને એ સિવાય બીજો કોઈ સંકેત મળ્યો નથી. આ બાબતમાં વધુ જાણકારી માટે તમે ભારતીય સંરક્ષણ મંત્રાલયનો સંપર્ક કરી શકો છો. એ લોકોએ તે ઘટના વિશે ગઈ 9 માર્ચે એક નિવેદન બહાર પાડીને સ્પષ્ટીકરણ કરી દીધું હતું. તેથી અમારે એ વિશે વધુ કોઈ કમેન્ટ કરવી નથી.

ભારત સરકાર કહી ચૂકી છે કે ભારતમાંથી એક મિસાઈલ તેની નિયમિત દેખભાળ વખતે એક ટેક્નિકલ ખામીને કારણે અકસ્માતપણે છૂટીને પાકિસ્તાનમાં પડી હતી. તે બહુ જ ખેદજનક ઘટના હતી.