કરાચીઃ પાકિસ્તાનના સૌથી મોટા શહેર કરાચીમાં આજે ભયાનક આતંકવાદી હુમલો કરવામાં આવ્યો છે. પાકિસ્તાન સ્ટોક એક્સચેન્જ (PSX) ઈમારતમાં કરાયેલા આ હુમલામાં 10 વ્યક્તિનાં મોત થયા છે. હુમલાને પગલે અફડાતફડી મચી ગઈ હતી. આ હુમલા બાદ પોલીસે કરેલા વળતા ફાયરિંગમાં હુમલામાં સામેલ તમામ 4 આંતકવાદીઓના ઢીમ ઢાળી દેવાયા હતા. અંધાધૂંધ ફાયરિંગમાં એક પોલીસ સબ-ઈન્સ્પેક્ટર અને ચાર સુરક્ષા ચોકિયાતો તથા એક નાગરિકનું પણ મરણ નિપજ્યું છે. આ હુમલો કરનારા હતા બલોચ લિબરેશન આર્મી (BLA)ની સૂસાઈડ સ્ક્વોડ મજીદ બ્રિગેડના ત્રાસવાદીઓ.
ઘટનાસ્થળે પોલીસ અને રેંજર્સના જવાનો પહોંચ્યા હતા. સ્ટોક એક્સચેન્જની આસપાસના વિસ્તારને ખાલી કરી દેવામાં આવ્યો હતો અને ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.
સ્ટોક એક્સચેન્જમાં ફસાયેલા કર્મચારીઓને પાછળના દરવાજેથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. આતંકવાદીઓએ રેલવે ગ્રાઉન્ડ પેરિકિન્ગ વિસ્તામાં ઘૂસીને સ્ટોક એક્સચેન્જના મેદાનની બહાર ગોળીબાર કર્યો હતો.
કરાચી શેરબજાર પરના હુમલાની જવાબદારી બલોચ લિબરેશન આર્મી સંગઠને લીધી છે. એણે ટ્વિટર એકાઉન્ટ પર આ દાવો કરતા લખ્યું છે કે મજીદ બ્રિગેડે આ હુમલો કર્યો છે. સિંધ પોલીસ અને રેન્જર્સ અધિકારીઓના ગોળીબારમાં માર્યા ગયેલા ચારેય ત્રાસવાદીના નામ પણ સંગઠને આપ્યા છે.