આર્થિક મંદીનો સામનો કરી રહેલા શ્રીલંકા અને અન્ય દેશો

નવી દિલ્હીઃ શ્રીલંકા આર્થિક દેવાંમાં ડિફોલ્ટ, ખાદ્ય પદાર્થોની અછત અને ફ્યુઅલની તંગીને કારણે થયેલી હિંસાને લીધે છેલ્લા કેટલાક દિવસોથી સમાચારોમાં છે, પણ કેટલાક અન્ય દેશો – પાકિસ્તાન, નેપાળ, દક્ષિણ આફ્રિકા, આર્જેન્ટિના, ઇથિયોપિયા, ઘાના અને પેરુ પણ આ પ્રકારના આર્થિક સંકટથી ઝઝૂમી રહ્યા છે. આ દેશો વધતા દેવાં, વેપાર ખાધ અને સતત ઘટતી વિદેશી કરન્સીની ચપેટમાં છે.

વૈશ્વિક કોરોના રોગચાળાએ અને રશિયા-યુક્રેન સંઘર્ષે અનેક દેશોનાં દેવાંના સ્તરને જોખમી સ્તરે ધકેલી દીધાં છે. નેપાળની આયાતમાં વધારાને કારણે વેપાર ખાધ ખૂબ વધી ગઈ છે. નેપાળની વેપાર કાધ 16 જુલાઈથી શરૂ થતા એના નાણાકીય વર્ષના પ્રથમ આઠ મહિનામાં 9.5 અબજ ડોલરે પહોંચી ગઈ છે, જે નેપાળ સરકારના બજેટની રકમ જેટલી છે.

વળી, નેપાળની રેમિટન્સની આવકમાં અને વિદેશી એક્સચેન્જની રિઝર્વ્સમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. નેપાળ જેવી જ સ્થિતિ પાકિસ્તાનની છે. ઇસ્લામાબાદે પણ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ પાસે બેલઆઉટ પેકેજ માટે હાથ લાંબો કર્યો છે. IMFથી કરારમાં વિલંબ થશે તો સાઉદી અરેબિયા અને ચીન સાથેની વાટાઘાટ પણ પ્રભાવિત થશે અને આ સ્થિતિ પાકિસ્તાન માટે ડામાડોળ છે, એમ કરાંચી સ્થિત ન્યૂઝપેપર ડોને એડિટોરિયલી લખ્યું છે.

હાલ મોટા ભાગના ઊભરતા અને વિકાસશીલ દેશો યુદ્ધને કારણે આર્થિક સંકટના દોરમાંથી પસાર થઈ રહ્યા છે, જેમાં રોગચાળાને લીધે નોકરી ગુમાવવી અને લર્નિગ લોસમાંથી પસાર થઈ રહ્યા છે, એમ IMFના MD ક્રિસ્ટાલિના જ્યોર્જિવાએ ગયા મહિને કહ્યું હતું.

હાલ અનેક દેશો રશિયા-યુક્રેન યુદ્ધને લીધે વૈશ્વિક ફૂડ અને કોમોડિટીની કિંમતોમાં ભાવવધારો- ફ્યુઅલના આયાત બિલમાં વધારો સહિતની વર્તમાન ક્રાઇસિસમાંથી પસાર થઈ રહ્યા છે.