હું કોણ છું?

જ્યાં સુધી “હું કોણ છું?” તેનો સાચો જવાબ નહીં મળે તો ઈચ્છાઓની યાદી વધતી જશે. હવે આપણને સાચો જવાબ મળ્યો કે હું ચૈતન્ય શક્તિ આત્મા છું. તો મારે જીવનમાં શું જોઈએ? ખુશી અને શાંતિ. વાસ્તવમાં તે પહેલેથી જ આપણી અંદર છે. તેને મેડિટેશન દ્વારા જાગૃત કરવાની જરૂરત છે. હવે આપણા જીવનનો ઉદ્દેશ્ય બદલાઈ જાય છે અને આપણે જીવનને નવી દિશામાં લઈ જઈએ છીએ. આપણને સમજમાં આવે છે કે જીવન ફક્ત જન્મ અને મૃત્યુની વચ્ચેની બાબત નથી. આપણા આ જીવનની યાત્રા સતત ચાલુ જ રહે છે. જેમાં હું એક શરીર છોડીને બીજું ધારણ કરું છું. જ્યારે આત્મા એક શરીર છોડીને બીજું ધારણ કરે છે ત્યારે પાછલા જન્મના અનુભવ તથા સંસ્કાર સાથે લઈને જાય છે.

આપણે એવી જગ્યાએ જઈએ જ્યાં અવસાન થયું હોય. તે સમયે બધામાં સ્વાભાવિક રીતે વૈરાગ્ય ઉત્પન્ન થાય છે અને આપણે કહીએ છીએ કે જુઓ અંતિમ સમયે તેઓ પોતાની સાથે શું લઈને ગયા? આખું જીવન જે મેળવવા માટે દોડતા હતા તે બધું તો પાછળ જ મૂકતા ગયા. સંબંધીઓ, મિત્રો, વૈભવ બધું જ પાછળ છૂટી ગયું પરંતુ સાથે શું થયું? જીવન દરમિયાન કરેલા કર્મોનો પ્રભાવ આત્મા ઉપર સંસ્કારો રૂપે રેકોર્ડ થાય છે. આ સંસ્કાર જ મૃત્યુ બાદ આત્માની સાથે જાય છે. આ સમજ મેળવ્યા બાદ આપણા જીવનનું લક્ષ બદલાઈ જાય છે. આપણે સતત એ વિચારીએ છીએ કે જે મારી સાથે આવવાના છે તે સંસ્કાર સારા રેકોર્ડ થાય. જો આપણે વારંવાર ગુસ્સો કર્યો, તણાવ તથા દર્દ નો અનુભવ કર્યો તો અંતમાં તે જ મારી સાથે આવશે. આથી આપણે દરેક કર્મ સમજી વિચારીને કરવું જોઈએ.

જો આપણે જૂઠું બોલીએ છીએ, બીજા સાથે દગો કરીએ છીએ, એકબીજાને નીચા બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ તો તેનાથી આપણી આત્મામાં તે જ પ્રકારનાં સંસ્કાર રેકોર્ડ થશે. આથી આપણે કાર્ય કરતી વખતે એ ન ભૂલવું જોઈએ કે “હું કોણ છું”. હું એક ચૈતન્ય શક્તિ આત્મા છું. મારે કોઈ ખોટા સંસ્કાર આત્મામાં જમા નથી થવા દેવા. જ્યારે હું પોતાને ‘આત્મા’ સમજુ છું તો મારો મૃત્યુનો ડર ખતમ થઇ જાય છે. કારણકે આત્મા તો અવિનાશી છે. જ્યારે હું ‘આત્મા’ છું તમારે શું શું જોઈએ! તે યાદ રાખવું ખૂબ જરૂરી છે કારણકે તેનાથી આપણા ઘણા બધા પ્રશ્નોનું સમાધાન મળી જાય છે. આપણને એ સમજમાં આવી જાય છે કે મારો સ્વભાવ કેવો છે? જ્યારે કોઈ આપણને પૂછે છે કે તમારો સ્વભાવ કેવો છે? આપણે કહીએ છીએ કે મને થોડો-થોડો ગુસ્સો આવી જાય છે, હું ભાવુક છું… આ સ્વભાવ મારામાં ત્યારે આવે છે જ્યારે હું પોતાને નથી જાણતી. જ્યારે આપણે પોતાને જ નથી જાણતા ત્યારે આપણા વાસ્તવિક સ્વભાવને પણ નથી જાણતા.

(બી. કે. શિવાની)

(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]