અમેરિકામાં કુટુંબ સાથે સમય વિતાવવો પ્રાથમિકતા

નવી દિલ્હીઃ અમેરિકામાં એક તૃતીયાંશ અમેરિકી લોકો માટે પરિવાર સાથે સમય વિતાવવો જિંદગીમાં સૌથી મહત્ત્વની બાબત છે. તેમની વ્યક્તિગત પ્રાથમિકતાઓમાં ફિઝિકલ એક્ટિવિટી, ધર્મ-કર્મ, કેરિયરમાં સફળતા અને બહાર ફરવા કરતાં પણ વધુ જરૂરી પરિવારને સમય આપવો છે, એમ પ્યુ રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો છે. સર્વેમાં 73 ટકા અમેરિકનો માને છે કે તેમના માટે પરિવારને પ્રાથમિકતા આપવી એ સૌથી વધુ મહત્ત્વની બાબત છે. 10માંથી નવ લોકોએ કહ્યું હતું કે કોઈ પણ કામની તુલનામાં તેઓ પરિવારને સમય આપવો વધુ પસંદ કરે છે. યુવા, નોકરિયાત અને વડીલોએ બધાને પરિવાર સૌથી ટોચના ક્રમે મૂક્યો હતો.

ધર્મ-કર્મ મામલે 50 ટકા લોકોએ મહત્ત્વનું માન્યું હતું, જ્યારે 21 ટકા એને વધુ મહત્ત્વ નહોતું આપ્યું. 61 ટકા રિપબ્લિકનોએ 40 ટકા ડેમોક્રેટ્સે ધર્મ-કર્મને મહત્ત્વનું માન્યુ હતું. હરવા-ફરવાનું અને કુદરતની નજીદીકીને 29 ટકા અમેરિકનો મહત્ત્વ આપે છે, જ્યારે 43 ટકા એને જરૂરી માને છે. જ્યારે 23 ટકા માટે એ સામાન્ય વાત છે. આ સાથે સંગીત, કલા અને લેખન જેવી રચનાત્મકતાને 43 ટકા અમેરિકનો મહત્ત્વ આપે છે, જ્યારે 40 ટકા લોકો સામાજિક સક્રિયતાને મહત્ત્વની માને છે.

આ સર્વેમાં 65થી વધુ વયવાળા (60 ટકા)ને ધાર્મિક આસ્થાનું પાલન મહત્ત્વનું લાગે છે, જ્યારે 18-29 વયવાળા 40 ટકા એવું માને છે. 65થી વધુ વયવાળા કેરિયરમાં સફળતાને અને રચનાત્મકતાને જરૂરી નથી સમજતા, જ્યારે 18-29 વયવાળા 76 ટકા લોકો કેરિયર વધુ મહત્ત્વની ગણે છે.