કિશોરવયના બાળક ગુસ્સે હોય ત્યારે તેમને કેવી રીતે પ્રતિભાવ આપવો

કિશોર અવસ્થામાં પ્રવેશવું એ વ્યક્તિ માટે વિમાસણભર્યો સમય હોય છે. એ સમય અંતઃસ્ત્રાવોમાં આવતા બદલાવ અને સ્વપહેચાનનો હોય છે. કિશોર અવસ્થામાં બાળકો પોતાના વિશે તથા આસપાસની દુનિયા વિશે વધુને વધુ જાણતા થાય છે અને આ બધાની છાપ તેમના મનમાં અંકિત થતી જાય છે. આ સમય દરમ્યાન તેમને સમજવા અઘરા છે અને તેઓ ઘણી ભાવનાત્મક પરાકાષ્ઠાઓમાંથી પસાર થતા હોય છે. કિશોર બાળકને સાચવવું એ ઘોડાને સાચવવા બરાબર છે. પહેલું તો તમારે લગામ લગાવવી પડે,અને તમે તેને કસીને બાંધી ના રાખી શકો,ક્યારેક તમારે એને ઢીલી કરવી પડે. વળી,તમે લગામ બિલકુલ હટાવી ના શકો. નુસખો એ છે કે :તેમને રાજી કરવા કે નારાજ કરવા પ્રયત્ન ના કરો. તેઓ ભાવનાત્મક અને શારીરિક રીતે ખૂબ અઘરા સમયમાંથી પસાર થઈ રહ્યા છે અને તમારે તેમને કુશળતાથી સંભાળવા જોઈએ. પ્રશ્ન એ થાય કે કેવી રીતે?

કિશોરોના ગુસ્સાને પ્રતિભાવ આપવાના કેટલાક રસ્તા છે:

જેવી રીતે બાળક તોફાની હોય છે તેમ કિશોર બળવાખોર બની શકે છે. તોફાની બાળકોને પ્રેરિત કરવાના હોય અને તેમના પર બળજબરીથી શિસ્ત ઠોકી ના બેસાડવાની હોય. જ્યારે તમે તેમના તોફાનોનો વિચાર કરો ત્યારે તમારે હસવાનું ચાલુ કરી દેવું જોઈએ.

ભણતર સાથે મુલ્યો જોડવા જોઈએ

દરેક માતા પિતા પોતાનું બાળક સારું ભણે એવું ઈચ્છે છે. પરંતુ બાળકોમાં મુલ્યો રોપવા એ પણ અગત્યનું છે. આપણે બાળકો વધુ પચાવી શકે અને સમજી શકે તે માટે તેમની ક્ષમતા વધારવી જોઈએ અને નહીં કે તેમની ઉપર પુષ્કળ વણજોઈતી માહિતીનો મારો કરવો જોઈએ. ભણાવવાની સર્જનાત્મક રીતો બાળકોને તેમના વ્યક્તિત્વ ઘડતરમાં સહાય કરશે.શિક્ષણ પધ્ધતિ લોકોને ધર્માંધ થતા રોકવી જોઈએ. યોગ્ય શિક્ષણ એ કહેવાય જે મનને મુક્ત કરે,મન કશામાં અતિ આસક્ત ના રહે, ભૂતકાળને લીધે ગુસ્સામાં કે ભવિષ્ય બાબતે ચિંતામાં ના રહે. શિક્ષણની વ્યવસ્થા આત્મગૌરવ અને સર્જનાત્મકતા જગાવે એવી હોવી જોઈએ.

કિશોર બાળકોના માતા પિતા તેમના બાળકો માટે હકૂમત ચલાવનાર કરતાં મિત્ર સમાન હોવા જોઈએ. એ રીતે માતા પિતા બાળકને સમજી શકશે અને તેમને જરૂરી એવી સલાહ તથા સહકાર આપી શકશે. કિશોરો પોતાને અને પોતાના વિચારોને વ્યક્ત કરી શકે એવું વાતાવરણ હોવું જોઈએ.તેમને માર્ગદર્શન આપવું અગત્યનું છે,પરંતુ તેઓ પોતાની ભૂલોમાંથી શીખી શકે અને પોતાને માટે શું યોગ્ય છે અને નથી તે જાતે જ નક્કી કરી શકે એ અવકાશ પણ આપવો જોઈએ. સંસ્કૃતમાં એક જૂની કહેવત છે કે,”જ્યારે તમારો દિકરો કે દિકરી સોળ વર્ષના થાય ત્યારે તેમની સાથે એક મિત્ર જેવું વર્તન કરવું.” તેમના શિક્ષક ના બનો,શું કરવું અને ના કરવું એ વિષે તેમને ટોકો નહીં. તેમના મનમાં શું છે અને તેમને કઈ સમસ્યાઓ છે એ વિષે તમારી સાથે વાત કરે એવી મોકળાશ આપો. એવા મિત્ર બનો જે તેમના જ સ્તરનો હોય.જો તમે માવતર તરીકે નહીં પણ મિત્ર તરીકે તેમની સાથે રજૂ થશો તો તેઓ તમારી સાથે ખુલીને વાત કરશે. તમારી વચ્ચેનું અંતર પુરાઈ જશે. એમ થવાથી પ્રેમ વ્યક્ત થઈ શકે છે અને વાતચીત કરવાનું સરળ બને છે.અને એક વાર વાતચીત થાય તો તમામ સમસ્યાઓનું નિરાકરણ આવે છે.

કિશોરોએ જીવનમાં આધ્યાત્મિકતા અપનાવવી જોઈએ.

યોગ,ધ્યાન અને જ્ઞાન જેવી આધ્યાત્મિક પ્રક્રિયાઓ અપનાવવાથી તેઓ બિનજરૂરી વિચારો આવતા રોકી શકે છે તથા જીવનના તમામ પાસાંઓને અપનાવી શકે છે.

કિશોરોએ નવા અને જૂના બન્નેના સમન્વયને અપનાવવો જોઈએ.

ઘણા કિશોરો પોતાની ચેતનાની ક્ષમતા વધારવા કંઈ કરતા નથી. શ્રાવ્ય અને દ્રશ્ય માધ્યમો,ચિત્રપટો તથા વીડીઓ ગેમ્સ દ્વારા માહિતીનો મારો ચાલે છે.આ બધું મન ઉપર દબાવ લાવે છે જે જીવનમાં પાછળથી માનસિક વ્યાધિ લાવી શકે છે. કિશોરોએ સર્જનાત્મકતા અપનાવવી જોઈએ.પ્રાચીન પ્રક્રિયાઓ જેવી કે અવધાનમ,ધ્યાન,યોગ અને પ્રાણાયામ રમતગમત,નૃત્ય અને સંગીતની સાથે સાથે કરવાથી ખૂબ ફાયદા મળે છે તથા તેઓ પોતાની જાતને વ્યક્ત કરી શકે તે માટે એક પ્લેટફોર્મ ઊભું થાય છે અને કિશોર વયે આવતા ગુસ્સામાંથી બહાર આવવા સહાય મળે છે.

તમારા બાળકના ગુસ્સા કે હતાશાને ગળી જવા તૈયાર રહો.

માતા,પિતા અને શિક્ષકે બાળકના ગુસ્સાને ગળી જવાનો હોય. તેમના ગુસ્સા કે હતાશાને ગળી જવા તમારે તૈયાર રહેવાનું હોય. તમારું બાળક તમારાથી બહુ ગુસ્સે હોય તો પણ તમે તે ગળી જાવ અને તેમને માટે જે સારું હોય તે કરો અને એ નહીં કે જે તેમને ખુશ કરે. એટલું સમજી જાવ કે તમને હંમેશા રસ્તો મળી રહેશે.

(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)