શ્રી શ્રી રવિશંકરજી: નાસ્તિક માટે ઈશ્વર

ઈશ્વર તમારા અસ્તિત્વનું કેન્દ્ર છે. ઈશ્વરને સ્વરૂપહીન/અરુપ જોવા અઘરું છે અને કોઈ સ્વરૂપ તરીકે જોવા એ પણ અઘરું છે. સ્વરૂપહીન સાવ અમૂર્ત લાગે અને કોઈ સ્વરૂપમાં ઈશ્વર ખૂબ મર્યાદિત લાગે. આથી કેટલાક લોકો નાસ્તિક રહેવાનું પસંદ કરે છે.

નાસ્તિકતા એ વાસ્તવિકતા નથી;એ સગવડીયું છે. જ્યારે તમારામાં જાણવાની જીજ્ઞાસા હોય કે સત્યની શોધ કરતા હોવ તો નાસ્તિકતા ટકી શકતી નથી. જો જાણવાની જીજ્ઞાસા હોય તો જે વસ્તુને તમે ખોટી સાબિત નથી કરી તેને તમે નકારી ના શકો. નાસ્તિક વ્યક્તિ ઈશ્વર નથી એવું સાબિત કર્યા વગર તેમના અસ્તિત્વને નકારે છે. ઈશ્વરના અસ્તિત્વને નકારવા માટે તમારામાં અઢળક જ્ઞાન હોવું જોઈએ. જો તમારામાં અઢળક જ્ઞાન હોય તો તમે ઈશ્વર નથી એવું સાબિત કરી શકતા નથી! જો કોઈ વ્યક્તિ એમ કહેતી હોય કે અમુક વસ્તુનું અસ્તિત્વ નથી તો તેને આખા વિશ્વનું જ્ઞાન હોવું જોઈએ. આમ,તમે 100% નાસ્તિક નથી થઈ શકતા. નાસ્તિક એટલે ઈશ્વરમાં માનવા વાળી વ્યક્તિ જે નિદ્રામાં છે!હકીકતમાં નાસ્તિક એટલે વ્યક્તિ જેનામાં ઈશ્વર માટે કોઈ પરિકલ્પના છે!

કોઈ વ્યક્તિ એમ કહેતી હોય કે, “હું કશામાં માનતી નથી”, તો એ પોતાનામાં માનતા હોવા જોઈએ–એટલે કે તે પોતાને માને છે અને આ બાબતે તે જાગૃત પણ નથી! કોઈ નાસ્તિક ક્યારેય સન્નિષ્ઠ ના હોઈ શકે કારણ કે સન્નિષ્ઠતા ગહેરાઈ માંગે છે- અને તે ગહેરાઈમાં જવા તૈયાર નથી. જો તે વધુ ને વધુ ગહેરાઈમાં જાય તો તેને ખાલીપણું મળે છે,બધી શક્યતાઓવાળું એક ક્ષેત્ર–તેણે સ્વીકારવું પડે કે એવા ઘણા રહસ્યો છે જેના વિશે તે જાણતો નથી. પછી તેણે પોતાની અજ્ઞાનતા સ્વીકારવી પડે,જે કરવા તે તૈયાર નથી હોતો કારણ કે જે ક્ષણે તે સન્નિષ્ઠ બને તે ક્ષણથી તે પોતાના નાસ્તિકપણાં વિશે ગંભીરતાથી સંશય કરવા માંડે. નાસ્તિક સંશય વગરનો હોય એવું શક્ય નથી! આમ,તમે સન્નિષ્ઠ અને સંશયમુક્ત હોવ એવા નાસ્તિક ક્યારેય ના હોઈ શકો. તમે તમારા પોતાના સ્વરૂપનો અનુભવ કરવા માંડો છો અને તમને પ્રતીતિ થાય છે કે તમે હકીકતમાં સ્વરૂપહીન,ખાલી અને પોલા છો. અને તમારામાં આ અમૂર્પતણું વધુને વધુ દ્રઢ થતું જાય છે!

જ્યારે નાસ્તિકને પોતાની અજ્ઞાનતાનું ભાન થાય છે ત્યારે તે ગુરુ પાસે આવે છે. ગુરુ અમૂર્પતપણાને વધારે વાસ્તવિક બનાવે છે અને તમે જેને નક્કર માનતા હતા તે વધારે અવાસ્તવિક જણાય છે.તમારામાં સંવેદનશીલતા અને સૂક્ષ્મતા ઉદ્ભવે છે. પ્રેમની સમજ એક લાગણી તરીકે નહીં પરંતુ અસ્તિત્વના પોષક તરીકે સ્પષ્ટ થાય છે. અરુપ ચેતના સર્જનના દરેક સ્વરૂપ થકી પ્રકાશમય જણાય છે તથા જીવનનું રહસ્ય વધારે ગહેરું થાય છે જેને લીધે નાસ્તિકતા નષ્ટ થાય છે.ત્યાર બાદ યાત્રા શરુ થાય છે જેની ચાર અવસ્થાઓ હોય છે.

પહેલી અવસ્થા છે સારુપ્ય (સ્વરૂપમાં અરુપતા જોવી ) એટલે કે તમામ સ્વરૂપોમાં ઈશ્વરના દર્શન કરવા. ઘણીવાર વ્યક્તિને ઈશ્વરને અમુક સ્વરૂપ કરતાં અરુપ તરીકે જોવાનું વધારે અનુકૂળ પડે છે કારણ કે સ્વરૂપને લીધે વ્યક્તિને કંઈક અંતર,દ્વંદ્વતા,અસ્વીકારનો ડર અને અન્ય મર્યાદાઓ લાગે છે. જીવનમાં ગહેરી નિદ્રા તથા સમાધિ સિવાય આપણા તમામ આદાનપ્રદાન કોઈ સ્વરૂપ સાથે હોય છે. જો તમે કોઈ સ્વરૂપમાં ઈશ્વરને જોઈ શકતા નથી તો જીવનની જાગૃત અવસ્થા ઈશ્વરથી વંચિત રહી જાય છે.જે લોકો ઈશ્વરને અરુપ તરીકે સ્વીકારે છે તેઓ ચિહ્નોનો ઉપયોગ કરે છે અને કદાચ ઈશ્વર કરતાં પણ ચિહ્નોને વધારે પ્રેમ કરે છે!જો ઈશ્વર પ્રગટ થઈને કોઈ ખ્રિસ્તીને ક્રોસ કે મુસ્લિમને અર્ધચંદ્ર છોડી દેવાનું કહે તો કદાચ તે તેમ નહીં કરે!શરુઆતમાં અરુપને સ્વરૂપ થકી જ પ્રેમ કરી શકાય છે.

બીજી અવસ્થા છે સામીપ્ય (નજીક હોવું) એટલે કે તમને પસંદ છે તે સ્વરૂપની એકદમ નજીક હોવાનો અનુભવ કરવો અને અંતે અરુપ સુધી પહોંચવું. આ અવસ્થા સમસ્ત સર્જન સાથે આત્મિયતાનો ભાવ જન્માવે છે. આ અવસ્થામાં અસ્વીકારનો અને અન્ય ડર રહેતા નથી. પરંતુ આ અવસ્થા સમય અને સ્થળ સાથે સંકળાયેલી છે.

ત્રીજી અવસ્થા છે સાનિધ્ય- ઈશ્વરના અસ્તિત્વનો અનુભવ કરવો જેનાથી તમે સમય અને સ્થળની મર્યાદાઓથી ઉપર ઊઠો છો.પછી અંતિમ અવસ્થા છે સાયુજ્ય,એટલે કે જ્યારે તમે ઈશ્વર સાથે અતુટ રીતે જોડાયા હોવ છો. હવે તમને લાગે છે કે તમે ઈશ્વર સાથે એકદમ જોડાયેલા છો. એમની સાથે સંપૂર્ણ એકરૂપ થઈ જવાની આ અવસ્થા છે અને દ્વૈત અદ્રશ્ય થઈ જાય છે. તમારા ઈશ્વરની સંભાળ રાખો!સંશય,અંધશ્રદ્ધા અને અજ્ઞાનતા તમારા મનમાં રહેલા નાસ્તિકો છે.

(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)