વિજ્ઞાનીઓએ બનાવ્યું ખુદ ખતમ થતું પ્લાસ્ટિક

નવી દિલ્હીઃ અમેરિકાના વૈજ્ઞાનિકોએ એક નવા પ્રકારનું પ્લાસ્ટિક વિકસિત કર્યું છે, જે ખુદ જ ખતમ થઈ જાય છે. તેમણે પોલિયુરિથેન પ્લાસ્ટિકમાં એક બેક્ટેરિયાને ભેળવ્યા છે. એ બેક્ટેરિયા પ્લાસ્ટિક ખાઈ જાય છે અને એ પ્રકારે પ્લાસ્ટિક ખુદ જ ખતમ થઈ જાય છે.

આ પ્લાસ્ટિકમાં ભેળવવામાં આવેલા બેક્ટેરિયા ત્યાં સુધી નિષ્ક્રિય રહે છે, જ્યાં સુધી પ્લાસ્ટિક ઉપયોગમાં રહે છે, પરંતુ જ્યારે એ કચરામાં રહેલા તત્ત્વોના સંપર્કમાં આવે છે તો એ સક્રિય થઈ જાય છે અને પ્લાસ્ટિક ખાવા લાગે છે, એમ સંશોધનકર્તાઓએ પ્રતિષ્ઠિત વિજ્ઞાન પત્રિકા નેચર કોમ્યુનિકેશન્સમાં છપાયેલા એક રિસર્ચમાં પ્લાસ્ટિક વિશે જણાવ્યું છે.

સેન ડિએગો સ્થિત કેલિફોર્નિયા યુનિવર્સિટીના વૈજ્ઞાનિક હાન સોલ કિમ કહે છે કે તેમને અપેક્ષા છે કે આ શોધ પ્રકૃતિમાં પ્લાસ્ટિક-પ્રદૂષણને ઓછું કરવામાં મદદગાર સાબિત થશે. એનો એક લાભ એ પણ હોઈ શકે છે કે બેક્ટેરિયા પ્લાસ્ટિકને વધુ મજબૂત બનાવે. 

પ્લાસ્ટિક પ્રદૂષણ વિશ્વની એક બહુ મોટી સમસ્યા છે. પ્રતિ વર્ષ 35 કરોડ ટન પ્લાસ્ટિકનો કચરો ધરતી પર વધી રહ્યો છે એ કચરો માત્ર હવા જ નહીં, પણ આહાર સુધી એ પહોંચી ચૂક્યું છે અને આરોગ્ય માટે ખતરો બની ચૂક્યું છે.

માઇક્રોપ્લાસ્ટિકના રૂપમાં એ પીવાના પાણી દ્વારા શરીરની અંદર જઈ રહ્યું છે. વર્ષ 2021માં સંશોધનકર્તાઓએ એક અજન્મા બાળકના ગર્ભનાળમાં માઇક્રોપ્લાસ્ટિક મળી આવ્યું હતું અને ભ્રૂણના વિકાસ પર સંભવિત પરિણામો પર મોટી ચિંતા વ્યક્ત કરી હતી.