ખાર્કિવઃ રશિયાએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ને સૂચિત કરી છે કે રશિયા પૂર્વ યુક્રેનના ખાર્કિવ અને સુમી શહેરોમાં ભારતીય વિદ્યાર્થીઓ અને અન્ય વિદેશી નાગરિકોને બહાર કાઢવા માટે ક્રોસિંગ પોઇન્ટ પર તૈયાર ઊભી છે. સેના પૂર્વ યુરોપીય દેશમાં ચાલી રહેલા સંઘર્ષની વચ્ચે ફસાયેલા લોકોને બહાર કાઢશે.
15 દેશોની કાઉન્સિલે શુક્રવારે ઇમર્જન્સી સેશન આયોજિત કર્યું હતું, જેમાં અલ્બાનિયા, ફ્રાંસ, આયર્લેન્ડ, નોર્વે, યુકે અને અમેરિકા સામેલ થયા હતા. યુરોપના સૌથી મોટા યુક્રેન સ્થિત ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પર રશિયાના હુમલા પછી આ સેશન બોલાવવામાં આવ્યું હતું.
આ બેઠકમાં સંયુક્ત રાષ્ટ્રમાં રશિયાએ સ્થાયી પ્રતિનિધિ રાજદૂત વાસિલી નેમ્બેઝિયાએ કહ્યું હતું કે રશિયાની સેના યુક્રેનમાં ફસાયેલા વિદેશી નાગરિકોને શાંતિપૂર્ણ રીતે બહાર કાઢવા માટે ઘણુંબધું કરી રહી છે.
તેમણે આરોપ લગાવ્યો હતો કે યુક્રેનના નાગરિકોએ 3700થી વધુ ભારતીયોને પૂર્વ યુક્રેનના ખાર્કિવ અને સુમી શહેરોમાં બળપૂર્વક રોકી રાખ્યા છે.
નેમ્બેઝિયાએ કાઉન્સિલને જણાવ્યું હતું કે આતંકવાદીઓને નાગરિકોને શહેર છોડવા નથી દઈ રહ્યા. એ માત્ર યુક્રેનિયન ને જ નહીં, પણ વિદેશીઓને પ્રભાવિત કરે છે. તેમણે કહ્યું હતું કે ખાર્કિવમાં ભારતના 3189 નાગરિકો, વિયેતનામના 2700 નાગરિકો, ચીનના 202 નાગરિકોને અટકાવી રાખવામાં આવ્યા છે, જ્યારે સુમીમાં ભારતના 576 નાગરિકો, ઘાનાના 101 નાગરિકો, ચીનના 121 નાગરિકોને અટકાવી રાખવામાં આવ્યા છે. રશિયાના બેલગોરોડ વિસ્તારમાં 130 બસો ભારતીય વિદ્યાર્થીઓને અન્ય વિદેશી નાગરિકોને કાઢવા માટે ખાર્કિવ અને સુમી જવા માટે નેખોટિવકા અને સુઝા પર રાહ જોઈ રહી છે. બધા ભારતીયોને બેલગોડા લઈ જવામાં આવશે અને ત્યાંથી ફ્લાઇટથી તેમના દેશ મોકલવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું.