યુદ્ધ પાગલપણું છે, બંધ કરોઃ પોપ (પુતિનને)

વેટિકન સિટીઃ ખ્રિસ્તી સમાજના વડા ધર્મગુરુ પોપ ફ્રાન્સિસે યૂક્રેન પર રશિયાએ હાલ કરેલા આક્રમણ માટે રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને વાપરેલા વિશેષ લશ્કરી કામગીરી શબ્દોને નકારી કાઢ્યા છે અને એમને વિનંતી કરી છે કે તેઓ યુદ્ધને રોકી દે. પોપે વેટિકન સિટીના સેન્ટ પીટર્સ સ્ક્વેર ખાતે એકત્ર થયેલા શ્રદ્ધાળુઓને કરેલા સંબોધનમાં જણાવ્યું હતું કે આ કંઈ લશ્કરી કામગીરી નથી, પરંતુ યુદ્ધ છે જે મોત, વિનાશ અને દુઃખ જ વાવે છે. યુદ્ધ પાગલપણું છે. મહેરબાની કરીને આ બંધ કરો. જુઓ તો ખરા કેટલી ક્રૂરતા છે. યૂક્રેનમાં લોહી અને આંસુઓની નદીઓ વહી રહી છે. એ શહીદ દેશમાં હાલ માનવતાવાદી સહાયતાની તાતી જરૂર છે. પોપે બાદમાં એમના ટ્વિટર હેન્ડલ પર રશિયાના આક્રમણને વખોડી કાઢતા અને એમને યુદ્ધ બંધ કરી દેવાની વિનંતી કરતા ટ્વીટ્સ પણ કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે, યૂક્રેન પર રશિયાના આક્રમણનો આજે 13મો દિવસ છે. એને કારણે યૂક્રેનમાં અત્યાર સુધીમાં સેંકડો લોકો માર્યા ગયા છે અને લાખો લોકોને દેશમાંથી હિજરત કરી જવી પડી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]