મોસ્કોઃ દુનિયાભરમાં હાહાકાર મચાવનાર કોરોના વાઈરસ રોગચાળા સામે લોકોને રક્ષણ આપતી રસી તૈયાર કરવામાં હાલ ભારત સહિત દુનિયાના અનેક દેશોમાં પ્રયત્નો ચાલુ છે ત્યારે આ સિદ્ધિ હાંસલ કરનાર રશિયા દુનિયાનો પહેલો દેશ બન્યો છે. પ્રમુખ વ્લાદિમીર પુતિને આજે આ વિશે જાહેરાત કરી છે. એમણે કહ્યું કે, મારી એક દીકરી ઉપર જ રસીની માનવ અજમાયશ કરવામાં આવી હતી.
પુતિને કહ્યું કે માનવ પરીક્ષણ કર્યાના બે મહિના કરતાંય ઓછા સમમયમાં કોવિડ-19 રસીને રેગ્યુલેટરી મંજૂરી આપનાર રશિયા દુનિયાનો પહેલો દેશ બન્યો છે. એમણે એમ પણ કહ્યું કે રશિયાના વૈજ્ઞાનિક કૌશલ્યનો આ એક પુરાવો છે.
આ સાથે હવે રશિયાની જનતામાં સામુહિક રસીકરણ કરવાનો માર્ગ મોકળો થયો છે. જોકે રસીની સલામતી અને અસરકારકતાની ચકાસણી કરવા માટેની તબીબી અજમાયશનો આખરી તબક્કો હજી ચાલુ છે.
આજે સરકારી ટેલિવિઝન પર એક સરકારી બેઠકમાં બોલતી વખતે પુતિને જણાવ્યું હતું કે મોસ્કોની ગેમેલિયા ઈન્સ્ટિટ્યૂટે આ રસી ડેવલપ કરી છે. એ સુરક્ષિત છે અને એમની એક પુત્રીના શરીરમાં એની અજમાયશ પણ કરવામાં આવી છે.
પુતિને કહ્યું કે આ રસી અસરકારક રીતે કામ કરે છે એ મેં જોયું છે. એનાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને હું ફરીથી કહું છું કે આ રસીએ તમામ આવશ્યક નિયંત્રણોને પાર કરી દીધા છે.