ઢાકાઃ બાંગ્લાદેશની આઝાદીની 50મી – સુવર્ણજયંતીની ઉજવણીના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપવા અહીં આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી બાંગ્લાદેશના 14-રાજકીય પક્ષોના જોડાણના નેતાઓને મળ્યા હતા. એ મુલાકાત દરમિયાન થયેલી ચર્ચામાં ભારત-બાંગ્લાદેશ વચ્ચેના સંબંધોને વધારે મજબૂત કરવાનો મુદ્દો કેન્દ્રમાં રહ્યો હતો. મોદી ઢાકામાં બાંગ્લાદેશના લઘુમતી કોમોના આગેવાનોને પણ મળ્યા હતા.
વડા પ્રધાન મોદીએ ઢાકામાં સાવર વિસ્તારસ્થિત રાષ્ટ્રીય શહીદ સ્મારકની પણ મુલાકાત લીધી હતી અને ત્યાંની વિઝિટર્સ બુકમાં પ્રતિભાવ વ્યક્ત કરીને હસ્તાક્ષર કર્યા હતા. મોદી બાંગ્લાદેશના ઝળહળતી સિદ્ધિ હાંસલ કરનાર યુવા વ્યક્તિઓને પણ મળ્યા હતા. તેમાં બાંગ્લાદેશના ટોચના ક્રિકેટ ઓલરાઉન્ડર શાકીબ અલ હસનનો પણ સમાવેશ થાય છે. હસને બાદમાં એક વિડિયો નિવેદન સોશિયલ મિડિયા પર પોસ્ટ કર્યું હતું અને જેમાં તેણે વડા પ્રધાન મોદી સાથેની મુલાકાતને હું મારું ગૌરવ સમજું છું. મારું માનવું છે કે એમની આ મુલાકાત બંને દેશ માટે ફળદાયી બની રહેશે. મને આશા છે કે ભારતને પ્રગતિના પંથે આગળ વધવામાં તેઓ મદદરૂપ થતા જ રહેશે અને સાથોસાથ ભારત સાથે બાંગ્લાદેશના સંબંધ પણ દિવસ-દિવસે વધારે સારા બનતા જશે.