વોશિંગ્ટનઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે અમેરિકાની કોંગ્રેસ (સંસદ)માં બંને ગૃહની સંયુક્ત બેઠકને સંબોધન કર્યું હતું. એમનું સંબોધન લગભગ એક કલાક સુધી ચાલ્યું હતું. એમના સંબોધનથી અમેરિકાનાં સંસદસભ્યો અત્યંત પ્રભાવિત થયા હતા અને અસંખ્ય વાર સીટ પરથી ઊભાં થઈને, તાળી પાડીને મોદીના વિધાનોને વધાવ્યાં હતાં. અત્રે યૂએસ કેપિટોલ ખાતે ભવ્ય એવા હાઉસ ચેમ્બર ખાતે આયોજિત મોદીના સંબોધનને અમેરિકી સાંસદોએ તાળીઓના ગડગડાટ અને હર્ષનાદોથી જબરદસ્ત પ્રતિસાદ આપ્યો હતો. એટલું જ નહીં, અમેરિકી સંસદમાં ‘મોદી, મોદી’ અને ‘ભારતમાતા કી જય’ના નારા પણ સાંભળવા મળ્યા હતા. તે નારા સંસદમાં બેઠેલાં ભારતીય સમુદાયનાં સાંસદોએ લગાવ્યા હતા.
અમેરિકી સંસદના સંયુક્ત સત્રને બે વખત સંબોધિત કરનાર મોદી પ્રથમ ભારતીય નેતા બન્યા છે. આ પહેલાં, 2016માં એમણે યૂએસ કોંગ્રેસની સંયુક્ત બેઠકને સંબોધિત કરી હતી.
ગઈ કાલે હાઉસ ચેમ્બર ખાતે મોદીના સ્વાગત માટે તમામ અમેરિકન સંસદસભ્યો ઊભાં રહીને રાહ જોઈ હતી અને મોદી જેવા આવી પહોંચ્યા કે એમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. મોદીએ અનેક સંસદસભ્યો સાથે હાથ મિલાવ્યા હતા અને ઘણા પુરુષ અને મહિલા સાંસદો મોદી સાથે હાથ મિલાવવા સામે ચાલીને આગળ આવ્યા હતા. બાદમાં મોદી સંબોધન કરવા માટે ચાલીને મંચ સુધી ગયા ત્યારે પણ સાંસદોએ ઊભાં થઈને, તાળીઓના ગડગડાટ સાથે એમને આવકાર આપ્યો હતો.
ભારતી-અમેરિકન સમુદાયનાં સભ્યો ચેંબરમાં વિઝિટર ગેલેરીઓમાં બેઠાં હતાં. મોદીએ તે ગેલેરીઓ તરફ હાથ હલાવીને સભ્યોનું અભિવાદન સ્વીકાર્યું હતું. મોદીના સંબોધન દરમિયાન સાંસદોએ લગભગ 15 વખત ઊભાં થઈને, તાળી પાડીને એને વધાવ્યું હતું.
મોદીએ એમના સંબોધનમાં કહ્યું હતું કે, ‘ભારતમાં મૂળ ધરાવનાર લાખો લોકો અમેરિકામાં વસે છે. એમનાં કેટલાક લોકો આ ચેંબરમાં બેઠાં છે જે ગર્વની વાત છે. એક સભ્ય મારી પાછળ બેઠાં છે, જેમણે તો ઈતિહાસ સર્જી દીધો છે.’ મોદીનો ઉલ્લેખ અમેરિકાનાં ઉપપ્રમુખ કમલા હેરિસ માટેનો હતો, જેઓ આ પદ શોભાવનાર અમેરિકાનાં પ્રથમ બિન-શ્વેત, દક્ષિણ એશિયાવાસી અને મહિલા છે. કમલા હેરિસનાં માતા શ્યામલા ગોપાલન મૂળ ચેન્નાઈનાં વતની હતાં અને અમેરિકામાં આવીને વસ્યાં હતાં. તેઓ બ્રેસ્ટ કેન્સર વિજ્ઞાની હતાં.
મોદીના સંબોધનના અમુક મુદ્દાઓ વખતે અમેરિકી સંસદસભ્યો ખડખડાટ હસી પડ્યાં હતાં. એક જણે તો એમ પણ કહ્યું કે, અમેરિકામાં ભારતીય-અમેરિકન વ્યક્તિઓ ઘણી મોટી ભૂમિકા ભજવે છે. તેઓ દરેક ક્ષેત્રમાં નિપુણતા ધરાવે છે.
સંબોધન પૂરું કરીને મોદી ચેમ્બરમાંથી વિદાય લેતા હતા ત્યારે પણ ઘણા સંસદસભ્યો એમને ઘેરી વળ્યા હતા, એમની સાથે હાથ મિલાવવા હતા, એમને અભિનંદન આપ્યા હતા અને એમના ઓટોગ્રાફ મેળવ્યા હતા.