અમેરિકાનો પ્રવાસ પૂરો કરી મોદી ઈજિપ્ત માટે રવાના થયા

વોશિંગ્ટનઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકામાં એમની સત્તાવાર મુલાકાત સમાપ્ત કરીને ભારતીય સમય મુજબ આજે વહેલી સવારે ઈજિપ્ત જવા રવાના થયા હતા. આફ્રિકા ખંડના આરબ દેશ ઈજિપ્તમાં મોદીની આ પહેલી જ મુલાકાત છે.

ઈજિપ્તના પ્રમુખ અબ્દેલ ફત્તાહ અલ-સિસીએ આપેલા આમંત્રણને માન આપીને પીએમ મોદી ઈજિપ્ત ગયા છે. પ્રમુખ અલ-સીસી આ વર્ષે નવી દિલ્હીમાં પ્રજાસત્તાક દિન ઉજવણી કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. એ જ વખતે એમણે પીએમ મોદીને ઈજિપ્તની મુલાકાતે આવવાનું આમંત્રણ આપ્યું હતું. ઈજિપ્તમાં મોદીનું રોકાણ બે-દિવસનું રહેશે. 1997 પછી કોઈ ભારતીય વડા પ્રધાન દ્વારા ઈજિપ્તની આ પહેલી દ્વિપક્ષીય મુલાકાત છે.

પીએમ મોદી અમેરિકી પ્રમુખ જો બાઈડન અને એમના પત્ની જિલ બાઈડનના આમંત્રણથી અમેરિકાની મુલાકાતે ગયા હતા. વ્હાઈટ હાઉસમાં એમનું રેડ કાર્પેટ સ્વાગત કરવામાં આવ્યું હતું.

એપ્રિલ-2022થી ડિસેમ્બર-2022ના સમયગાળામાં ભારત ઈજિપ્તનું પાંચમા ક્રમનું સૌથી મોટું વ્યાપાર ભાગીદાર રહ્યું હતું. વધુમાં, ભારત-ઈજિપ્ત વચ્ચે દ્વિપક્ષીય, પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય પ્રશ્નોમાં સંપર્ક અને સહકારના લાંબા ઈતિહાસ પર આધારિત ગાઢ રાજનૈતિક સમજ ધરાવે છે.

વડા પ્રધાન મોદી ઈજિપ્તના પાટનગર શહેર કેરોમાં ઐતિહાસિક મહત્ત્વ ધરાવતી અને અગ્રગણ્ય એવી અલ-હકીમ મસ્જિદમાં એક કલાક રહેશે. આ મસ્જિદ કેરોમાં વસતા દાઉદી વ્હોરા સમુદાયનાં લોકો માટે આસ્થાનું મોટું કેન્દ્ર ગણાય છે. મોદી ઈજિપ્તમાં રોકાણ દરમિયાન હેલિયોપોલિસ વોર ગ્રેવ કબ્રસ્તાનની પણ મુલાકાત લેશે અને પ્રથમ વિશ્વ યુદ્ધ વખતે ઈજિપ્ત માટે લડતી વખતે પોતાના જાનનું બલિદાન આપનાર ભારતીય સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે.