UNSCની બેઠકો યોજનાર મોદી પ્રથમ ભારતીય વડાપ્રધાન

ન્યૂયોર્ક/નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC – યૂનાઈટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલ)નું પ્રમુખપદ વારાફરતી ક્રમ પ્રમાણે આજથી એક મહિના માટે ભારતના હાથમાં સોંપાયું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી UNSC બેઠકનું અધ્યક્ષપદ સંભાળશે. આ સિદ્ધિ પ્રાપ્ત કરનાર તેઓ પ્રથમ ભારતીય વડા પ્રધાન છે. સંસ્થાની પહેલી બેઠક 9 ઓગસ્ટે યોજાશે. UNSCનું પ્રમુખપદ મેળવવા બદલ ભારતને તમામ દેશોએ અભિનંદન આપ્યા છે. રશિયાએ કહ્યું છે કે ભારતના એજન્ડાથી પોતે ખૂબ જ પ્રભાવિત છે. જ્યારે પાકિસ્તાને કહ્યું છે કે પોતે એવી આશા રાખે છે કે ભારત નિષ્પક્ષ રીતે કામ કરશે અને આંતરરાષ્ટ્રીય માપદંડો અને નિયમોનું પાલન કરશે.

ભારતને આ પ્રમુખપદ ફ્રાન્સ તરફથી મળ્યું છે. સંયુક્ત રાષ્ટ્ર સંસ્થા ખાતે ભારતના રાજદૂત ટી.એસ. તિરુમૂર્તિએ જુલાઈ મહિનામાં સંસ્થાનું અધ્યક્ષપદ સરસ રીતે સંભાળવા બદલ યૂએનમાં ફ્રાન્સના કાયમી પ્રતિનિધિનો આભાર માન્યો છે. એક મહિનાના પ્રમુખપદ દરમિયાન ભારત સમુદ્ર સુરક્ષા, શાંતિરક્ષક દળ અને ત્રાસવાદ-વિરોધી કાર્યવાહી સંબંધિત બાબતોને લગતા કાર્યક્રમોનું યજમાનપદ સંભાળશે.