BVM એન્જિનિયરિંગ કોલેજની ‘એ.એમ. નાઈક હાઉસ ઓફ સ્કોલર્સ’ હોસ્ટેલનું ઉદઘાટન

આણંદઃ ગુજરાતના શિક્ષણધામ ગણાતા વલ્લભ વિદ્યાનગરમાં બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય એન્જિનિયરિંગ કોલેજ (બીવીએમ)એ તેની નવી હોસ્ટેલ શરૂ કરી છે જેને લાર્સન એન્ડ ટુબ્રો કંપનીના ચેરમેન એ.એમ. નાઈકનું નામ આપ્યું છે. ‘એ.એમ. નાઈક હાઉસ ઓફ સ્કોલર્સ’ હોસ્ટેલનું ઉદઘાટન નાઈકે પોતે તથા ચરોતર વિદ્યામંડળ યુનિવર્સિટીના પ્રમુખ ભીખુભાઈ પટેલે કર્યું હતું. એ પ્રસંગે ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

હોસ્ટેલનું ઉદઘાટન કરતા બીવીએમ એન્જિનિયરિંગ કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી એ.એમ. નાઈક

નાઈક બીવીએમ એન્જિનિયરિંગ કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. તેમણે વર્ષ 1963માં ચરોતર વિદ્યા મંડળની સંસ્થામાંથી મિકેનિકલ એન્જિનિયરિંગ પૂર્ણ કર્યું હતું. દેશની પ્રતિષ્ઠિત એન્જિનિયરિંગ અને નિર્માણ કંપની પૈકીની એક તરીકે લાર્સન એન્ડ ટુબ્રોના વડા તરીકે એ.આમ.નાઈકે ભારતીય ઉદ્યોગમાં આપેલા ઉત્કૃષ્ટ પ્રદાનના માનમાં ચરોતર વિદ્યા મંડળે એના આ ભૂતપૂર્વ વિદ્યાર્થીના માનમાં પોતાની નવી હોસ્ટેલનું નામ ‘એ.એમ. નાઈક હાઉસ ઓફ સ્કોલર્સ’ રાખ્યું છે.

ઉદઘાટન પ્રસંગે નાઈકે કહ્યું કે, બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય એન્જિનિયરિંગ કોલેજ સાથે જોડાવાની મને ખુશી છે. અહીં વિદ્યાર્થી તરીકે મને શિક્ષણ મળ્યું એ બદલ હું સંસ્થાનો આભારી છું, જેણે મારા ભવિષ્યને ઘડવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. મને આશા છે કે આ સંસ્થા ગુણવત્તાસભર શિક્ષણ આપવા નિઃસ્વાર્થ સેવા આપવાનું જાળવી રાખશે અને દેશના ભવિષ્યને ઘડવા માટે યુવા પેઢીને તૈયાર કરશે. એ માટે કોલેજને મારી શુભેચ્છા છે.

ચરોતર વિદ્યા મંડળ યુનિવર્સિટીના પ્રમુખ ભીખુભાઈ પટેલે કહ્યું કે, અમારો મંત્ર શ્રેષ્ઠ શૈક્ષણિક સુવિધાઓ પ્રદાન કરીને યુવા પેઢીને શિક્ષણ આપવાનો અને તેમનું કૌશલ્ય વધારવાનો છે. અમારી ‘એ.એમ. નાઈક હાઉસ ઓફ સ્કોલર્સ’ હોસ્ટેલ અમારી શૈક્ષણિક ફિલોસોફીથી સારી રીતે સંકલિત છે. અમે ભવિષ્યના ઈજનેરી વ્યવસાયિકોને તૈયાર કરવા આતુર છીએ.

ગુજરાતમાં વર્ષ 1948માં સ્થપાયેલી બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય એન્જિનિયરિંગ કોલેજ દેશમાં સૌથી જૂની ઈજનેરી કોલેજોમાંની એક છે. 18.96 એકર જમીનવિસ્તાર પર પથરાયેલી કોલેજ વિવિધ ક્ષેત્રોમાં બી.ટેક. અભ્યાસક્રમો પ્રદાન કરે છે.