અમારી કોરોના-રસીને જલદી મંજૂરી આપોઃ ફાઈઝર (ભારત સરકારને)

ન્યૂયોર્કઃ અમેરિકાની મલ્ટીનેશનલ ફાર્માસ્યુટિકલ કંપની ફાઈઝરે ભારત સરકારને વિનંતી કરી છે કે પોતે બનાવેલી ફાઈઝર-બાયોએનટેક કોરોના-પ્રતિરોધક રસીને જલદી મંજૂરી આપવામાં આવે. કંપનીના સીઈઓ આલ્બર્ટ બોર્લાએ આજે લિન્ક્ડઈન પર જણાવ્યું છે કે અમે અમારી કોરોના-રસીને મંજૂરી અપાય એ માટે મહિનાઓ અગાઉ અરજી આપી હતી, પરંતુ કમનસીબે અમારી રસી હજી ભારતમાં રજિસ્ટર થઈ નથી.

દરમિયાન, ફાઈઝર કંપનીએ કોરોનાવાઈરસ રોગચાળાના બીજા મોજાના સંકટનો સામનો કરી રહેલા ભારતને 7 કરોડ ડોલર (આશરે 510 કરોડ રૂપિયા)ની કિંમતની દવાઓ દાન તરીકે આપી છે. આ દવાઓ તે અમેરિકા, યુરોપ અને એશિયામાં પોતાના ડિસ્ટ્રીબ્યુશન કેન્દ્રોમાંથી મોકલી રહી છે. ભારતમાં કોવિડ-19ની સ્થિતિ બહુ જ ગંભીર હોવાથી અમે અત્યંત ચિંતીત થયા છીએ. આલ્બર્ટ બોર્લાએ આ જાણકારી ફાઈઝર ઈન્ડિયાના કર્મચારીઓને મોકલેલા ઈમેલમાં આપી છે. આ ઈમેલ તેમણે પોતાના લિન્ક્ડઈન પોસ્ટમાં શેર પણ કર્યો છે.