ઈસ્લામાબાદઃ પાકિસ્તાનની સરકારે એવો આક્ષેપ કર્યો છે કે એમના વડા પ્રધાન ઈમરાન ખાને એક વાર જે મોબાઈલ ફોનનો ઉપયોગ કર્યો હતો એને ભારત સરકારે પેગાસસ જાસૂસી સોફ્ટવેરની મદદથી હેક કરાવ્યો છે કે નહીં તેની પાકિસ્તાન સરકાર તપાસ કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે, ઈઝરાયલી કંપનીના પેગાસસ સોફ્ટવેરની મદદથી ભારતમાં અનેક કેન્દ્રીય પ્રધાનો, વિપક્ષી નેતાઓ, ઉદ્યોગપતિઓ, પત્રકારોના ફોન ટેપ કરાયા હોવાના અને એમની પર જાસૂસી કરાઈ હોવાના આક્ષેપોને કારણે ખળભળાટ મચી ગયો છે. વોશિંગ્ટન પોસ્ટ અખબારના સોમવારના અહેવાલમાં જણાવાયું છે કે ઈઝરાયલની NSO કંપનીના પેગાસસ સેલફોન હેકિંગ અને જાસૂસી સોફ્ટવેરનો ઉપયોગ કરીને સેંકડો નંબરોને હેક કરવામાં આવ્યા હોવાની શંકા છે અને એમાં પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાને એક વાર વાપરેલા એક ફોન નંબર પણ સામેલ છે.
પાકિસ્તાનના માહિતી પ્રધાન ફવાદ ચૌધરીએ એમ પણ કહ્યું છે કે મોદી સરકારે વડા પ્રધાન ઈમરાન ખાન ઉપરાંત પાકિસ્તાનના લશ્કરી વડા જનરલ કામર જાવેદ બાજવાનો ફોન પણ ટેપ કરાવ્યો હોવાની શંકા છે. અમે તપાસ કરી રહ્યા છીએ અને જો એ સાચું ઠરશે તો અમે આને વૈશ્વિક મુદ્દો બનાવીશું.
