મિશિગનની વૈદેહી ડોંગરેએ જીત્યો ‘મિસ ઇન્ડિયા USA’નો પુરસ્કાર

મિશિગનઃ મિશિગનની 25 વર્ષની વૈદેહી ડોંગરેને ‘મિસ ઇન્ડિયા યુએસએ 2021’નો તાજ પહેરાવાયો હતો, જ્યારે જ્યોર્જિયાની અર્શી લાલાનીને સપ્તાહાંતે આયોજિત ‘સૌદર્ય સ્પર્ધા’માં પહેલી રનર-અપ જાહેર કરવામાં આવી હતી. 25 વર્ષીય ડોંગરેએ મિશિગન યુનિવર્સિટીથી ગ્રેજ્યુએટની ડિગ્રી પ્રાપ્ત કરી હતી અને આંતરરાષ્ટ્રીય શિક્ષણ લીધું હતું, એમ તેણે કહ્યું હતું. તે એક મોટી કંપનીમાં બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર તરીકે કામ કરે છે. હું મારા સમાજ પર એક હકારાત્મક અસર છોડવા ઇચ્છું છું અને મહિલાઓને નાણાકીય સ્વતંત્રતા અને સાક્ષરતા પર ધ્યાન કેન્દ્રિત કરવા માગું છું. તેણે ભારતીય શાસ્ત્રીય ડાન્સ કથકના પર્ફોર્મન્સ પર ‘મિસ ટેલેન્ટેડ’નો પુરસ્કાર પણ જીત્યો હતો.

20 વર્ષીય લાલાનીએ તેના પર્ફોર્મન્સ અને વિશ્વાસથી સૌને આશ્ચર્યચકિત કરી દીધા હતા અને તેને પહેલી રનર-અપ જાહેર કરવામાં આવી હતી. તે બ્રેઇન ટ્યુમરથી પીડિત છે. નોર્થ કેરોલિનાની મીરા કસારીને બીજી રનર-અપ ઘોષિત કરવામાં આવી હતી. ડાયના હેડન કે જે ‘મિસ વર્લ્ડ 1997’ હતી –એ આ સ્પર્ધાની મુખ્ય અતિથિ અને મુખ્ય જજ હતી.

આ ત્રણ અલગ-અલગ સ્પર્ધા (પેજન્ટ્સ)માં 30 રાજ્યોની 61 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ ત્રણ સ્પર્ધા-‘મિસ ઇન્ડિયા યુએસએ’, ‘મિસિસ ઇન્ડિયા યુએસ’ અને ‘મિસ ટીન ઇન્ડિયા યુએસએ’ હતી. આ ત્રણે સ્પર્ધાની વિજેતાઓને સ્પર્ધામાં ભાગ લેવા માટે મુંબઈ જવાની ટિકિટ આપવામાં આવી હતી. આશરે 40 વર્ષ પહેલાં ન્યુ યોર્કમાં જાણીતા ભારતવંશી અમેરિકી ધર્માત્મા સરન અને નીલમ સરને વર્લ્ડવાઇડ પેજન્ટ હેઠળ આ સ્પર્ધાની શરૂઆત કરી હતી.