પાકિસ્તાનના ભૂતપૂર્વ PM ઇમરાન ખાનને 10 વર્ષની સજા

નવી દિલ્હીઃ પાકિસ્તાનના ભૂતપૂર્વ PM ઇમરાન ખાન અને ભૂતપૂર્વ વિદેશપ્રધાન શાહ મહમૂદ કુરેશીને ખાનગી માહિતી લીક કરવાને મામલે દોષી ઠેરવવામાં આવ્યા છે આ મામલે ઇમરાન ખાન અને શાહ મહમૂદ કુરેશીને 10-10 વર્ષની જેલની સજા આપવામાં આવી છે. રાવલપિંડીમાં સ્પેશિયલ કોર્ટના જજે અદિયાલા જેલમાં એનું એલાન કર્યું હતું.

ઇમરાન અને કુરેશીની હાજરીમાં જજ અબુલ હસનત જુલ્કરનૈને આ ચુકાદો સંભળાવ્યો હતો. ગયા વર્ષે કેસ શરૂ થયા પછી એની સુનાવણી અદિયાલા જેલમાં ચાલી રહી હતી.


આ સુનાવણી દરમ્યાન જજ જુલ્કરનૈને PTI નેતાઓને કહ્યું હતું કે તેમના વકીલ કોર્ટમાં હાજર નહીં થયા અને તેમને સરકારી વકીલ આપવામાં આવ્યા હતા. કોર્ટે એ પણ કહ્યું હતું કે કુરેશી અને ઇમરાન ખાનને કલમ 342 હેઠળ સવાલ પૂછવામાં આવ્યા હતા. જોકે કુરેશીએ કહ્યું હતું કે તેમના વકીલ હાજર નહીં થતાં તેઓ પોતાનું નિવેદન નથી નોંધાવી શકતા.

શું છે સાયફર કેસ?

એપ્રિલ, 2022માં સરકાર પડ્યા પછી ઇમરાન ખાન તરફથી સતત દાવો કરવામાં આવતો હતો કે તેમની સરકારને પાડવા માટે અમેરિકા અને એ વખતના આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવાએ કાવતરું રચ્યું હતું. તેમની આરોપ છે કે એ વખતે અમેરિકામાં પાકિસ્તાની એમ્બેસેડર અસદ મજીદ ખાનને એક સિક્રેટ લેટર દ્વારા આ ષડયંત્રની માહિતી આપી હતી. ડિપ્લોમેટિક ટર્મમાં એ લેટરને સાઇફર કહેવામાં આવે છે.  આ સાયફર અમેરિકી સ્ટેટ ડિપાર્ટમેન્ટ તરફથી પાકિસ્તાનના વિદેશ મંત્રાલયને મોકલવામાં આવ્યો હતો.