ફોર્મ્યૂલા ભારતનો, મોડલ ચીનનું, આ રીતે ‘નવું પાકિસ્તાન’ બનાવશે ઈમરાન ખાન

ઈસ્લામાબાદ- ઈમરાન ખાન પાકિસ્તાનના નવા વડાપ્રધાન બનશે તે નક્કી થઈ ગયું છે. ચૂંટણીના પરિણામ બાદ ઈમરાન ખાને પત્રકાર પરિષદને સંબોધન કરવા દરમિયાન દેશ સામે ‘નયા પાકિસ્તાન’ની પરિકલ્પના રજૂ કરી હતી. પાકિસ્તાન અલગ દેશ બન્યા બાદ અત્યાર સુધી પાકિસ્તાનમાં શું બન્યું અને પોતે પાકિસ્તાનમાં શું બનાવવા માગે છે. તે અંગે ઈમરાન ખાને તર્ક રજૂ કર્યો. વધુમાં ઈમરાને જણાવ્યું કે, તેને ‘નયા પાકિસ્તાન’ માટેનો ફોર્મ્યૂલા ભારત પાસેથી મળશે અને તેને કારગર બનાવવા તેઓ ચીન મોડલ પર વિશ્વાસ કરશે.પરંતુ આ ફોર્મ્યૂલાને અપનાવવાની સાથે ઈમરાન ખાને એ પણ સ્પષ્ટ કર્યું છે કે, પાકિસ્તાનમાંથી ગરીબી દૂર કરવા તે ચીનનો સહયોગ લેશે. ઈમરાનના જણાવ્યા મુજબ તે ચીન પાસેથી બોધપાઠ શીખીને પાકિસ્તાનના ગરીબોને વિકાસની મુખ્યધારામાં લાવવા માટે કામ કરશે. ઈમરાન ખાને એવો પણ દાવો કર્યો છે કે, તેના શાસન દરમિયાન પાકિસ્તાનમાં કૂતરાઓને પણ ખાલી પેટ સુવા દેવામાં આવશે નહીં. આમ નવું પાકિસ્તાન ગરીબીથી મુક્ત થશે તેમ ઈમરાન ખાને દાવો કર્યો છે.

ઈમરાન ખાને ભારતમાં ચાલી રહેલી લોકપાલની કવાયતનું ઉદાહરણ પણ પાકિસ્તાનમાં રજૂ કર્યું હતું. પરંતુ તેનો અમલ કરવા ઈમરાન ખાને ચીન પાસેથી બોધપાઠ લેવાનું મન બનાવ્યું છે. ઈમરાનના જણાવ્યા મુજબ પાકિસ્તાનમાં સરકારની કમાન સંભાળ્યા બાદ તેઓ એક વિશેષ ટુકડી ચીન રવાના કરશે. જે ચીન સરકાર પાસેથી ભ્રષ્ટાચારને કાબુમાં રાખવાની બારીકાઈનો અભ્યાસ કરશે. અને પાકિસ્તાનમાંથી ભ્રષ્ટાચાર નાબૂદ કરવા ઝુંબેશ શરુ કરશે.