પેટીએમ દિલ્હીમાં બનાવશે પોતાનું નવું હેડક્વાર્ટર

નવી દિલ્હીઃ ડિજિટલ પેમેન્ટ કંપની પેટીએમ દ્વારા નોયડામાં નવું હેડક્વાર્ટર બનાવવા માટે 10 એકર જમીન ખરીદવામાં આવી છે. આ દેશના કોઈ કંઝ્યુમર ઈન્ટરનેટ સ્ટાર્ટઅપ દ્વારા થોડા વર્ષના સમયગાળામાં ખરીદવામાં આવેલી સૌથી મોટી પ્રોપર્ટી છે. કંપનીમાં કર્મચારીઓની સંખ્યા વધી રહી છે જેના માટે તેને વધારે જગ્યાની જરૂરીયાત છે.

પેટીએમ પર માલિકી હક્ક ધરાવતી વન97 કોમ્યુનિકેશને નોયડા એક્સપ્રેસ વે પર સેક્ટર-137માં આ જમીન ખરીદી છે. પ્રોપર્ટી કન્સલ્ટન્ટ્સનું કહેવું છે કે આ સોદો 120-150 કરોડ રૂપીયા સુધીનો હોઈ શકે છે. તેમના અનુસાર આ ક્ષેત્રમાં જમીનનો ભાવ 12 થી 15 કરોડ રૂપીયા પ્રતિ એકર છે. જો કે કંપનીએ જમીન સીધી જ નોયડા ઓથોરિટી પાસેથી ખરીદી છે એટલા માટે કીંમત થોડી ઓછી ચૂકવવી પડશે.

પેટીએમના ચીફ ઓપરેટિંગ ઓફિસર કિરણ વાસિરેડ્ડીએ નવા હેડક્વાર્ટર માટે જમીન ખરીદવાની વાતની પુષ્ટી કરી પરંતુ આ જમીનનો સોદો કેટલા રૂપીયામાં થયો તે અંગે તેમણે જાણકારી ન આપી. માનવામાં આવી રહ્યું છે કે પેટીએમના નવા હેડક્વાર્ટરમાં 15 હજારથી વધારે લોકો માટે જગ્યા હશે. પેટીએમને વર્ષ 2010માં વિજય શેખર શર્મા નામના વ્યક્તિએ લોન્ચ કર્યું હતું. પેટીએમ છેલ્લા આંઠ વર્ષમાં આ ટોટલી ફાઈનાંશિયલ સર્વિસીઝ કંપની બની ગઈ છે. આમાં અત્યારે 20 હજાર જેટલા લોકો કામ કરી રહ્યા છે. આમાંથી 760 જેટલા કર્મચારીઓ પેટીએમના 48 હજાર વર્ગફુટની જગ્યા ધરાવતા નોયડા સ્થિત વર્તમાન હેડક્વાર્ટરમાંથી કામ કરે છે.

કંપનીના અન્ય કર્મચારીઓ દિલ્હી-એનસીઆર, મુંબઈ, કોલકત્તા, ચેન્નઈ અને બેંગ્લોરની ઓફિસમાંથી કામ કરી રહ્યા છે. વાસિરેડ્ડીએ જણાવ્યું કે એજન્ટ નેટવર્ક સાથે અત્યારે કંપનીમાં 20 હજાર જેટલા લોકો કામ કરી રહ્યા છે. અમે લોકો અમારો ગ્રોથ ટાર્ગેટ પ્રાપ્ત કરવા માટે પ્રત્યેક વર્ષ મોટી સંખ્યામાં કર્મચારીઓને અમારી સાથે જોડી રહ્યા છીએ. તેમણે જણાવ્યું કે પેટીએમનું નવું કેમ્પસ ઈકો-ફ્રેન્ડલી અને એનર્જી-એફિશંટ હશે.