ઇસ્લામાબાદઃ પાકિસ્તાન સરકારે આતંકવાદી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપતા અને મની લોન્ડરિંગ પ્રવૃત્તિઓમાં સામેલ થયેલા તત્ત્વો સામે જોરદાર સપાટો બોલાવ્યો છે અને જમાત-ઉદ-દાવા (JuD) અને જૈશ-એ-મોહમ્મદ (JeM) જેવા સંગઠનોની કુલ 964 સંપત્તિઓને ફ્રીઝ કરી દીધી છે. સરકાર દ્વારા આ કાર્યવાહી ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ હેઠળ કરવામાં આવી છે. આ પ્રયાસો હેઠળ ટેરર ફાઇનાન્સિંગ અને મની લોન્ડરિંગમાં સામેલ લોકોની સામે કાર્યવાહી કરવામાં આવે છે. ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF)ના 27 પોઇન્ટ એક્શન પ્લાન પૂરા કરવાની આવશ્યકતા હોય છે.
ઇન્ટિરિયર મંત્રાલયના જણાવ્યા અનુસાર જમાત-ઉદ-દાવાની 907 અને જૈશ-એ-મોહમ્મદની 57 સંપત્તિઓને ફ્રીઝ કરવામાં આવી છે. સંસદીય કાર્ય રાજ્યપ્રધાન અલી મુહમ્મદ ખાને કહ્યું હતું કે ક્ષેત્રીય ગૃહ વિભાગોએ વિદેશ મંત્રાલય દ્વારા સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC-ફ્રીઝિંગ અને સીઝર)ના આદેશ 2019 હેઠળ JuD અને JeMની સંપત્તિને ફ્રીઝ કરવાની કાર્યવાહી કરી છે.
બંને આંતકવાદી સંગઠનોની ફ્રીઝ કરવામાં આવેલી સંપત્તિઓ વિશે વાત કરતાં તેમણે કહ્યું હતું કે પંજાબમાં JuDની કુલ 611 સંપત્તિઓ ફ્રીઝ કરવામાં આવી છે, જ્યારે ખૈબર પખ્તુનખ્વામાં 108, સિંધમાં 80, જમ્મુ અને કાશ્મીર (POK)માં 61, બલૂચિસ્તાનમાં 30 અને ઇસ્લામાબાદમાં 17 સંપત્તિઓ ફ્રીઝ થઈ છે, એમ તેમણે પાકિસ્તાની સંસદના ઉપલા ગૃહને જણાવ્યું હતું.
JeMની આઠ સંપત્તિઓ પંજાબમાં, ખૈબર પખ્તુનખ્વામાં 29, આઝાદ જમ્મુ અને કાશ્મીરમાં 12, ઇસ્લામાબાદ રાજધાની ક્ષેત્રમાં ચાર, સિંધમાં ત્રણ અને બલૂચિસ્તાનમાં એક સંપત્તિને ફ્રીઝ કરવામાં આવી છે, એમ તેમણે કહ્યું હતું.
તેમણે વધુ વિગતો આપતાં કહ્યું હતું કે JuDની 75 સ્કૂલ, ચાર કોલેજ, 330 મસ્જિદ અને અર્ધ વિદ્યાલય, 186 ડિસ્પેન્સરીઝ, 15 હોસ્પિટલ્સ, 62 એમ્યુલન્સ અને ફ્યુનરલ બસ (અંતિમ સંસ્કારની બસ), ત્રણ ડિઝેસ્ટર મેનેજમેન્ટ ઓફિસીસ, 10 બોટ્સ 17 બિલ્ડિંગ્સ, પ્લોટ, કૃષિની જમીન, અને બે મોટરસાઇકલને જપ્ત કરી છે.
જ્યારે JeMની જપ્ત થયેલી સંપતિ વિશે ખાને કહ્યું હતું કે 53 મસ્જિદો અને સેમિનાર, બે ડિસ્પેન્સરી અને બે એમ્બ્યુલન્સ સામેલ છે.
પાકિસ્તાને આ કાર્યવાહી એવી સમયે કરી છે, જ્યારે પાકિસ્તાન FATFના ગ્રે લિસ્ટમાંથી બહાર નીકળવા માટે આકાશપાતાળ એક કરી રહ્યું છે અને FATFના 27 પોઇન્ટનું પાલન કરવા માટે આકરી મહેનત કરી રહ્યું છે.