રશિયાની કોરોના રસીથી દર સાતમાંથી એક જણ બીમાર પડ્યું

મોસ્કોઃ ભારતમાં કોરોના વાઈરસનો રોગચાળો હજી ગંભીર રીતે આગળ વધી રહ્યો છે. વધુ ને વધુ લોકો એનો શિકાર બની રહ્યા છે ત્યારે લોકો આ રોગ સામે રક્ષણ આપે એવી મેડિકલ રસી જલદી ઉપલબ્ધ થાય એની રાહ જોઈ રહ્યા છે. રશિયાએ દાવો કર્યો છે કે તેણે આ રોગ સામેની રસી બનાવી લીધી છે અને તેના લોકોને આ Sputnik V રસી આપવાનું શરૂ પણ થઈ ગયું છે. આ રસી ભારત પણ ખરીદવાનું છે એવા અહેવાલો છે.

 પરંતુ, એવા અહેવાલો છે કે રશિયામાં જેમણે Sputnik V  રસી લીધી છે એ દર સાતમાંથી એક વ્યક્તિ બીમાર પડી છે.

રશિયામાં આ રસી જેમને આપવામાં આવી છે એ સ્વયંસેવકોમાંથી આશરે 14 ટકા અથવા દર સાતમાંથી એક જણે આડઅસર થઈ હોવાની ફરિયાદ કરી છે. આ જાણકારી ખુદ રશિયાના આરોગ્ય પ્રધાન મિખાઈલ મુરાશ્કોએ આપી છે. એમણે કહ્યું છે કે દેશમાં 40 હજાર સ્વયંસેવકોમાંથી 300 જેટલાને ‘સ્પુતનિક ફાઈવ’ રસી આપવામાં આવી છે.

મુરાશ્કોએ જ કહ્યું છે કે આશરે 14 ટકા લોકોએ રસી લીધાના 24 કલાકમાં જ શરીરમાં નબળાઈ લાગતી હોવાની, સ્નાયૂઓમાં દુખાવો થતો હોવાની ફરિયાદ કરી છે. તેમજ એમના શરીરનું તાપમાન પણ વધી ગયું છે.

મુરાશ્કોને આવું કહેતા રશિયાની સરકાર હસ્તકની સમાચાર સંસ્થા ‘તાસ’એ ટાંક્યા છે.

જોકે ફરિયાદ કર્યાના બીજા દિવસે બધું ઠીક પણ થઈ જાય છે.

‘સ્પુતનિક 5’ રસીની તબીબી અજમાયશોના પરિણામ ગઈ 4 સપ્ટેમ્બરે લેન્સેટ જર્નલમાં પ્રકાશિત કરવામાં આવ્યા હતા. એમાં દાવો કરાયો હતો કે રસી 76 જણને આપવામાં આવી હતી અને એ સંપૂર્ણપણે સુરક્ષિત જણાઈ છે. 21 દિવસોની અંદર સ્વયંસેવકોના શરીરમાં કોઈ પણ પ્રકારની આડઅસર વિના એન્ટી-બોડી બની છે.

ભારતમાં, હૈદરાબાદ સ્થિત જી.વી. પ્રસાદ પ્રેરિત ડોક્ટર રેડિઝ લેબોરેટરિઝ (ડો. રેડિઝ) તથા રશિયન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ ફંડ નવેમ્બરના આરંભમાં રશિયન રસી લોન્ચ કરવા ધારે છે. જી.વી. પ્રસાદે કહ્યું કે અમે રશિયન ડેવલપમેન્ટ ઈન્વેસ્ટમેન્ટ ફંડ સાથે કરાર કર્યો છે. અમને આશા છે કે અમે ભારતમાં વહેલી તકે ‘સ્પુતનિક 5’ રસી લાવીશું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]