ઈસ્લામાબાદ- પાકિસ્તાનમાં આજે નવી સરકારની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. પાકિસ્તાનમાં હજી સુધી કોઈ પણ વડાપ્રધાન તેના પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરી શક્યા નથી. જેને ધ્યાનમાં રાખીને પાકિસ્તાનમાં લોકશાહી ચૂંટણીઓનું મહત્વ સમજી શકાય તેમ છે. આજે આપણે પાકિસ્તાનની સામાન્ય ચૂંટણીઓ વિશે કેટલીક મહત્વની બાબતો જાણીએ.પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણી બેલેટ પેપરથી જ યોજવામાં આવશે. મતદાન સવારે 8 કલાકથી શરુ થશે અને સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. પાકિસ્તાનમાં મતદાનના દિવસે જ સાંજે છ વાગ્યા પછી મતદાન મથકમાં હાજર રહેલા કર્મચારીઓને એ જ સ્થળે મત ગણતરીમાં લગાવી દેવામાં આવે છે. ચૂંટણીના પરિણામ રાત્રે 9 વાગ્યાથી આવવાની શરુઆત થઈ શકે છે. અને મધ્યરાત્રી બાદ કોની સરકાર બનશે તે તસવીર લગભગ સ્પષ્ટ થઈ શકે છે.
પાકિસ્તાન ચૂંટણી પંચ (ECP) અનુસાર પાકિસ્તાનમાં આશરે 10.5 કરોડ રજિસ્ટર્ડ મતદાતા છે. દરેક મતદાતા બે બેઠક માટે મતદાન કરશે. જેમાં એક વોટ નેશનલ એસેમ્બલી માટે અને બીજો મત ક્ષેત્રિય એસેમ્બલી માટે આપશે. પાકિસ્તાનના ચારેય પ્રાંત પંજાબ, બલૂચિસ્તાન, ખૈબર પખ્તૂનખ્વા અને સિંધમાં ચૂંટણી યોજાઈ રહી છે. જેમાં નેશનલ એસેમ્બલીમાં 272 પ્રત્યક્ષ બેઠકો અને 70 આરક્ષિત બેઠકો છે. જેમાંથી ચૂંટણી માત્ર પ્રત્યક્ષ બેઠકો માટે જ યોજાશે.
પાકિસ્તાનમાં સરકાર બનાવવા માટે અને બહુમતી મેળવવા માટે 137 બેઠક પર જીત મેળવવી જરુરી છે. ઉલ્લેખનિય છે કે, પાકિસ્તાનની ચૂંટણીમાં આ વખતે પાકિસ્તાન મુસ્લિમ લીગ (નવાઝ), પાકિસ્તાન તહેરીક-એ-ઈન્સાફ અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી વચ્ચે ત્રિકોણીય મુકાબલો યોજાશે.
આ ઉપરાંત વૈશ્વિક આતંકવાદીની યાદીમાં સ્થાન પામેલા હાફિઝ સઈદે પણ મિલ્લી મુસ્લિમ લીગ નામની રાજકીય પાર્ટીની સ્થાપના કરી પોતાના 200 જેટલા ઉમેદવાર ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. જોકે હાફિઝની પાર્ટીને પાકિસ્તાન ચૂંટણી પંચ તરફથી માન્યતા આપવામાં આવી નથી.