પાકિસ્તાનનું રાજકીય ગણિત: જે પંજાબ જીતે, તે કેન્દ્રમાં સરકાર બનાવે

ઈસ્લામાબાદ- પાકિસ્તાનમાં યોજાઈ રહેલી સામાન્ય ચૂંટણીમાં જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ અને ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈ વચ્ચે મુખ્ય સ્પર્ધા રહેશે તેમ માનવામાં આવી રહ્યું છે. નિષ્ણાંતોનું માનીએ તો, 10 કરોડથી વધુની વસ્તી ધરાવતા પંજાબ પ્રાંતને જીતનારા વ્યક્તિ પાસે જ પાકિસ્તાનની કેન્દ્ર સરકારની ચાવી રહેશે.પાકિસ્તાનના નેશનલ એસેમ્બલીમાં કુલ 272 બેઠકો છે. જેમાંથી 141 બેઠકો પાકિસ્તાનના સૌથી વધુ આબાદી ધરાવતા ક્ષેત્ર પંજાબમાં આવેલી છે. રાજકીય વિશ્લેષક ડૉ. સૈયદ ફારુક હસનતે જણાવ્યું કે, જે પાર્ટીને પંજાબમાં સૌથી વધુ બેઠકો મળશે તે પાકિસ્તાનમાં આગામી સારકાર બનાવશે.

વર્ષ 2013માં પાકિસ્તાનમાં યોજાયેલી ચૂંટણીમાં નવાઝ શરીફની પાર્ટી PML-Nને પંજાબમાં ભારે જીત મળી હતી. પરંતુ આ વખતની ચૂંટણીમાં PML-N અને ઈમરાન ખાનની પાર્ટી PTI વચ્ચે રસપ્રદ ટક્કર જોવા મળી શકે છે. રાજકીય વિશ્લેષક ડૉ. સૈયદ ફારુક હસનતે જણાવ્યું કે, ‘મારું માનવું છે કે, આ વખતે પંજાબમાં ઈમરાન ખાનની પાર્ટી નવીઝ શરીફની પાર્ટી કરતાં વધુ મજબૂત જણાઈ રહી છે’.

મળતી માહિતી મુજબ પાકિસ્તાન ચૂંટણી માટે આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક કક્ષાએ કરવામાં આવેલા કોઈ પણ સર્વેમાં નવાઝ શરીફની પાર્ટી PML-Nને વર્તમાન ચૂંટણીમાં કોઈપણ દ્રષ્ટિકોણથી મતદારોની પસંદગીની પાર્ટી તરીકે નથી જણાવાઈ રહી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]