વડા પ્રધાન મોદી તરફથી રવાન્ડાને 200 ગાયનું દાન

કિગાલી (રવાન્ડા) – આફ્રિકા ખંડના દેશ રવાન્ડાની મુલાકાતે આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી 24 જુલાઈ, મંગળવારે બુગેસેરા જિલ્લાના રવેરુ ગામમાં આયોજિત એક કાર્યક્રમમાં સામેલ થયા હતા. એમની સાથે રવાન્ડાના પ્રમુખ પૌલ કાગમે પણ હતા.

એ કાર્યક્રમ દરમિયાન મોદીએ ભારત તરફથી રવાન્ડાને 200 ગાય દાનમાં આપી હતી. ભારતીય વડા પ્રધાન રવાન્ડાના પ્રવાસે આવ્યા હોય એવો આ પહેલો જ પ્રસંગ છે.

ભારત તરફથી રવાન્ડાને 200 ગાય ભેટ આપવા પાછળનું કારણ એ છે કે રવાન્ડા દેશ પણ ભારતની જેમ ગાયને પવિત્ર પ્રાણી માને છે અને સમૃદ્ધિનું પ્રતીક માને છે. ગાયની સારસંભાળ માટે રવાન્ડા દેશે એક ખાસ યોજના બનાવી છે જેનું નામ છે – ગિરિંકા. કુપોષણની સમસ્યા દૂર કરવાના ઉદ્દેશ્યવાળી આ યોજનાનો અર્થ છે – એક ગાય રાખો. ‘એક ગરીબ પરિવાર માટે એક ગાય’ યોજના દ્વારા 3.5 લાખ જેટલા પરિવારોને ગરીબીના દુષ્ચક્રમાંથી બહાર લાવવામાં આવ્યા છે.

રવાન્ડાની સરકાર દેશના 3.50 લાખ ગામોના પરિવારોને ગાય આપે છે અને પછી એને જન્મેલું વાછરડું એ પોતાના પડોશીને આપે. આ યોજનાનો ઉદ્દેશ્ય ગાયોનાં દૂધથી પરિવાર એના બાળકોનું કુપોષણ દૂર કરે અને સાથોસાથ દેશના દૂધ ઉદ્યોગને ઉત્તેજન પણ મળે.

રવાન્ડાની વસ્તી 1.12 કરોડ છે. આ દેશ 80 ટકા ખેતીવાડી પર નિર્ભર છે. ત્યાંની સંસદમાં બે-તૃતિયાંશ સભ્યો મહિલાઓ છે.