ઈસ્લામાબાદઃ બલુચિસ્તાન પ્રાંતની એક કોર્ટે પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાન સામે કરાયેલો દેશદ્રોહનો કેસ આજે ફગાવી દીધો છે. કોર્ટના ચુકાદા બાદ ઈમરાન ખાનના ધારાશાસ્ત્રીએ કહ્યું, ઈમરાન ખાનને ઘણી રાહત થઈ છે, જેમને ભ્રષ્ટાચારના આરોપસર આ મહિનાના આરંભમાં જેલમાં પૂરવામાં આવ્યા હતા. 70 વર્ષીય ઈમરાન ખાન પર ગયા માર્ચ મહિનામાં દેશદ્રોહનો આરોપ મૂકવામાં આવ્યો હતો. તે કેસ બલુચિસ્તાનના ક્વેટા શહેરની કોર્ટમાં કરવામાં આવ્યો હતો.
તે આરોપની સામે ઈમરાન ખાને બલુચિસ્તાન હાઈકોર્ટમાં અપીલ કરી હતી. કોર્ટે કહ્યું કે ઈમરાન સામે દેશદ્રોહનો આરોપ નોંધવા માટે ફરિયાદી પક્ષે કેન્દ્ર કે પ્રાંતિય સરકાર પાસેથી મંજૂરી લીધી નહોતી. આ આરોપ કોઈ કાયદેસર સત્તાધિશની મંજૂરી વિના કરવામાં આવ્યા છે તેથી એનું કોઈ રીતે કાયદેસર મૂલ્ય બનતું નથી. એમ કહીને કોર્ટે સંબંધિત સત્તાધિશોને આદેશ આપ્યો હતો કે આ કેસને રદબાતલ કરવામાં આવે.
પાકિસ્તનમાં આવતા નવેમ્બરમાં સંસદીય ચૂંટણી યોજાવાની ધારણા છે.