PM મોદી- શી જિનપિંગની મુલાકાતઃ ભારતે ચીનની ખોલી પોલ

નવી દિલ્હીઃ દક્ષિણ આફ્રિકામાં પૂરી થયેલી બ્રિક્સ સમિટમાં વડા પ્રધાન મોદીએ ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતમાં PM મોદીએ વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર જારી ટેન્શનનો મુદ્દો ઉઠાવ્યો હતો.આ મુલાકાત પછી વિવાદ થયો હતો, કેમ કે ચીનના વિદેશ મંત્રાલયે દાવો કર્યો હતો કે જોહાનિસબર્ગમાં બ્રિક્સ શિખર સંમેલનમાં બંને નેતાઓની વચ્ચે થયેલી વાતચીત ભારતની વિનંતીથી થઈ હતી, પણ ભારતે ચીનના દાવાને ફગાવતાં કહ્યું હતું કે ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને PM મોદીની વચ્ચે દ્વિપક્ષી બેઠક ચીનની વિનંતીથી કરવામાં આવી હતી.

ભારતીય વિદેશ મંત્રાલયનાં સૂત્રોએ ચીની દાવાઓને ફગાવતાં કહ્યું હતું કે ચીનની તરફથી દ્વિપક્ષી બેઠક યોજવા માટે અરજ કરવામાં આવી હતી. જેને આધારે બંને નેતાઓની વચ્ચે વાતચીત થઈ હતી. જોકે બ્રિક્સ શિખર સંમેલન દરમ્યાન બંને નેતાઓએ લીડર્સ લાઉન્જમાં વાતચીત કરી હતી અને એ વાતચીત બિનસત્તાવાર હતી.

PM મોદી અને ચીની રાષ્ટ્રપતિ જિનપિંગની વચ્ચે આ વાતચીત એવા સમયે થઈ હતી, જ્યારે આવતા મહિને G-20 શિખર સંમેલન થવાનું છે. કેન્દ્ર સરકારે કહ્યું હતું કે PM મોદીએ રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે સંક્ષિપ્ત મુલાકાતમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર જારી ટેન્શન અને એના પર ભારતની ચિંતાઓને લઈને ચર્ચા કરી હતી.

ચીની વિદેશ મંત્રાલયે શું કહ્યું?

ચીની વિદેશ મંત્રાલયે મુલાકાત વિશે કહ્યું હતું કે બંને નેતાઓએ ચીન-ભારત સંબંધો અને હિતોના અન્ય મુદ્દાઓ પર વિચારો સ્પષ્ટ કર્યા હતા અને ગહન આદાન-પ્રદાન કર્યું હતું.