ઈસ્લામાબાદઃ પાકિસ્તાન સરકારે 18 વર્ષની ઉપરના લોકોમાં જે કોઈએ કોરોનાવાઈરસ-પ્રતિરોધક રસી લીધી ન હોય એમને સ્થાનિક સ્તરે પ્રવાસ કરવા પર મનાઈ ફરમાવી છે.
‘ડોન’ અખબારના અહેવાલ મુજબ, સરકારી એજન્સી નેશનલ કમાન્ડ એન્ડ ઓપરેશન સેન્ટરે નિર્ણય લીધો છે કે 18 વર્ષથી ઉપરની વયના જે નાગરિકોએ રસીનો એકેય ડોઝ લીધો ન હોય એમને 1 ઓગસ્ટથી અમલમાં આવે એ રીતે સ્થાનિક સ્તરે વિમાન પ્રવાસ કરવા દેવો નહીં. જોકે, આ પ્રતિબંધ માત્ર સ્થાનિક વિમાન પ્રવાસ માટે જ છે. પાકિસ્તાનમાંથી વિદેશ જતા અને વિદેશમાંથી પાકિસ્તાન આવતા લોકોને આ પ્રતિબંધ લાગુ નહીં કરાય. એવી જ રીતે, રસીના બેમાંનો એક ડોઝ લીધો હોય એવા નાગરિકો, વિદેશી નાગરિકો, વિદેશમાં પૂરી રસી લીધી હોવાનો દસ્તાવેજી પુરાવો ધરાવતા પાકિસ્તાનીઓ અને જેમને રસી લેવાથી આડઅસર થવાનું જોખમ હોવાથી એ ન લેવાની ડોક્ટરની સલાહવાળા દર્દીઓને પણ આ પ્રતિબંધ લાગુ નહીં પડે.