ભારત સાથે વિમાન-રેલવે સેવા ફરી નહીંઃ પાકિસ્તાન-પ્રધાન

ઈસ્લામાબાદઃ પાકિસ્તાનના રેલવે અને મુલ્કી ઉડ્ડયન ખાતાના પ્રધાન ખ્વાજા સાદ રફીકે કહ્યું છે કે પાકિસ્તાન અને ભારત વચ્ચે વિમાન અને રેલવે સેવાઓ ફરી શરૂ કરવાનો કોઈ પ્રસ્તાવ ચર્ચામાં નથી.

ભારત સરકારે 2019માં જમ્મુ અને કશ્મીરને આપેલો વિશેષ દરજ્જો રદ કરી દીધા બાદ પાકિસ્તાને ભારત સાથે હવાઈ અને રેલવે સેવાને સસ્પેન્ડ કરી દીધી છે. સમજૌતા એક્સપ્રેસ ટ્રેન તથા લાહોર-દિલ્હી વચ્ચેની બસ સેવા પણ તેણે સસ્પેન્ડ કરી દીધી છે.

2016માં પઠાણકોટ હવાઈ મથક પર પાકિસ્તાનસ્થિત ત્રાસવાદી જૂથોએ હુમલો કર્યા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચેના સંબંધો બગડ્યા હતા. તે પછી જમ્મુ-કશ્મીરના ઉરીમાં ભારતની લશ્કરી છાવણી પર પાકિસ્તાની આતંકવાદી હુમલો થયો હતો. જમ્મુ-કશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર આતંકવાદી હુમલામાં ભારતના 40 જવાન માર્યા ગયા હતા.  તે પછી 2019ની 26 ફેબ્રુઆરીએ ભારતના યુદ્ધવિમાનોએ પાકિસ્તાનમાં પ્રવેશીને જૈશ-એ-મોહમ્મદ આતંકવાદી સંગઠનના અડ્ડાઓનો નાશ કર્યો હતો.