ઓકલેન્ડઃ ન્યૂઝીલેન્ડની સરકારે દેશમાં યુવા વ્યક્તિઓમાં તમાકુવાળા ધૂમ્રપાનની આદતનો અંત લાવી દેવા એક અનોખી યોજના ઘડી છે. તેણે એક નવો કાયદો ઘડ્યો છે જે અંતર્ગત 14 વર્ષ કે તેથી ઓછી વયનાં લોકો માટે ધૂમ્રપાન કરવા પર કાયમી પ્રતિબંધ મૂકી દેવાશે. આ કાયદો સરકાર આવતા વર્ષે પાસ કરાવવા ધારે છે. આ કાયદા અંતર્ગત સિગારેટ ખરીદવા માટેની લઘુત્તમ વયને દર વર્ષે વધારવામાં આવશે. રીટેલરોએ પણ એ બાબતમાં તકેદારી રાખવી પડશે.
આ થિયરીનો મતલબ એ થાય કે કાયદો અમલમાં આવ્યા બાદ 65 વર્ષ પછી ધારો કે કોઈ વ્યક્તિને સિગારેટ ખરીદવી હોય તો એણે સાબિત કરવું પડશે કે પોતાની ઉંમર 80 વર્ષની છે. સત્તાવાળાઓનું માનવું છે કે આ કાયદાને લીધે દેશમાં લોકોની ધૂમ્રપાનની આદત અમુક દાયકાઓમાં ગાયબ થઈ જશે. હાલ ન્યૂઝીલેન્ડમાં સિગારેટ ખરીદવા માટે લઘુત્તમ વયમર્યાદા 18 વર્ષ છે.