US દ્વારા 100થી વધુ દેશો આમંત્રિતઃ પાકે આમંત્રણ ફગાવ્યું

વોશિંગ્ટનઃ અમેરિકી રાષ્ટ્રપ્રમુખ જો બાઇડને 9-10 ડિસેમ્બરે લોકતંત્રની ચર્ચા માટે એક વર્ચ્યુઅલ સમિટ બોલાવી છે. આજથી શરૂ થતી વિશ્વ લોકતંત્ર શિખર સંમેલનમાં બાઇડને 100થી વધુ દેશોને આમંત્રિત કર્યા છે. આ દેશોમાં ભારતની સાથે તેના ત્રણ પડોશી દેશોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. એમાંથી એક પાકિસ્તાન છે, બીજું નેપાળ અને ત્રીજો દેશ માલદિવ છે. જોકે પાકિસ્તાને ચીન સાથેની મિત્રતાને કારણે અમેરિકા દ્વારા આયોજિત સમિટમાં આમંત્રણને ફગાવી દીધું છે. વિશ્વ લોકતંત્ર શિખર સંમેલનનો મુખ્ય ઉદ્દેશ લોકતંત્ર પર ચર્ચા કરવાનો છે. કોરોના રોગચાળાને કારણે વિડિયો લિન્ક દ્વારા આયોજિત આ કાર્યક્ર્મને વાઇટ હાઉસ દ્વારા સંચાલિત કરવામાં આવશે, જેમાં લોકતંત્ર અને શક્તિશાળી નિરંકુશતા અથવા તાનાશાહી મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.

નાગરિક સુરક્ષા, લોકતંત્ર અને માનવાધિકાર રાજ્યના અવર સચિવઉજરા જેયાએ કહ્યું હતું કે કોઈ ભૂલ ના કરે, આપણે લોકતાંત્રિક ગણનાની ક્ષણમાં છીએ.આ સમીટમાં પડોશી દેશ ચીનને આમંત્રણ નથી આપવામાં આવ્યું, પણ ચીનના પડોશી દેશ દક્ષિણ કોરિયાને નિમંત્રણ આપવામાં આવ્યું છે. ચીન ઉપરાંત બંગલાદેશ, શ્રીલંકા, મ્યાનમાર, અફઘાનિસ્તાન, ભૂતાન અને ઇરાનને પણ આમંત્રણ નથી આપવામાં આવ્યું.આ સમીટમાં પાકિસ્તાનને આમંત્રણ આપવામાં આવ્યું એ આશ્ચર્યજનક વાત છે, કેમ કે પાક સરકારને પાછળથી સેના અને ISI દોરીસંચાર થાય છે.

આ સમીટમાં મુખ્ય ઉદ્દેશ વિશ્વનાં લોકતાંત્રિક દેશો સામે આવતા પડકારો અને તકો પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે. આ સિવાય માનવ અધિકારોની રક્ષા માટે વ્યક્તિગત અને સામૂહિક પ્રતિબદ્ધતા અને સુધારાની પહેલની ઘોષણા માટે મંચ પ્રદાન કરવાનો છે.