બ્રાઝિલને પછાડી આરબ-દેશોનું સૌથી મોટું ફૂડ સપ્લાયર બન્યું ભારત

સાઓ પાઉલોઃ છેલ્લાં 15 વર્ષોમાં ભારતે આરબ રાજ્યોને ખાદ્ય સામગ્રીની નિકાસમાં બ્રાઝિલને પાછળ છોડ્યો છે, કેમ કે કોરોના રોગચાળાએ વર્ષ 2020માં વેપાર-ધંધા અને સપ્લાય ચેઇનને ખોરવી કાઢ્યા હતા, એમ આરબ-બ્રાઝિલ ચેમ્બર ઓફ કોમર્સે જણાવ્યું હતું.

આરબ વિશ્વમાં બ્રાઝિલ સૌથી મહત્ત્વનો વેપાર ભાગીદારમાંનો એક છે, પણ એ બજારોથી એના ભૌગોલિક અંતરે એને પાછળ રાખ્યું છે, કેમ કે રોગચાળામાં વૈશ્વિક લોજિસ્ટિક (માલસામાનની અવરજવર)ને પ્રભાવિત કરી હતી. ગયા વર્ષે 20 સભ્યો દ્વારા આયાત કરવામાં આવેલાં કુલ કૃષિ ઉત્પાદનોમાં બ્રાઝિલનો હિસ્સો 8.15 ટકા હતો, જ્યારે ભારતનો એ 8.25 ટકા હિસ્સો હતો, જેથી બ્રાઝિલનું 15 વર્ષનું વર્ચસ ખતમ થયું છે.

ફાર્મ ગેટમાં હરીફ રહેવા છતાં બ્રાઝિલ ભારત અને અન્ય નિકાસકાર દેશો જેવા કે તુર્કી, અમેરિકા, ફ્રાન્સ અને આર્જેન્ટિના જેવા પારંપરિક શિપિંગ માર્ગો પર અડચણોને લીધે પાછળ પડી ગયું હતું.

સાઉદી અરેબિયામાં બ્રાઝિલનું શિપમેન્ટ પહોંચતાં પહેલાં 30 દિવસ લાગતા હતા, પણ હવે એમાં 60 દિવસો લાગે છે. જ્યારે ભારતને ભૌગોલિક લાભ મળતાં ફળ, શાકભાજી, સુગર, અનાજ અને માંસ પહોંચાડવામાં એકાદ સપ્તાહનો સમય લાગે છે.

ગયા વર્ષે બ્રાઝિલની ખાડી દેશોમાં નિકાસ 1.4 ટકા વધીને 8.17 અબજ ડોલર થઈ હતી, જ્યારે આ વર્ષના જાન્યુઆરીથી ઓક્ટોબર સુધીના સમયમાં કુલ વેચાણ 5.5 ટકા વધીને 6.78 અબજ ડોલરનું થયું હતું. બ્રાઝિલથી નિકાસ ઓછી થવાને કારણે સાઉદી અરેબિયા દેશમાં સ્વદેશી ઉત્પાદનને પ્રોત્સાહન આપી રહ્યું છે અને ભારત જેવા અન્ય વિકલ્પોથી આયાતને પ્રોત્સાહન આપી રહ્યો છે.