ઓમિક્રોન ડેલ્ટા કરતાં વધારે ખતરનાક નથીઃ WHO

જિનેવાઃ કોરોનાવાઈરસ ચેપી મહામારી (કોવિડ-19)ના નવા વેરિઅન્ટ ઓમિક્રોન વિશે દુનિયાભરમાં એવો ગભરાટ ફેલાયો છે કે આ વેરિઅન્ટ વધારે ચેપી અને વારંવાર મ્યુટેશન્સ કરનારો છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO )એ આ સંદર્ભમાં મહત્ત્વના નિવેદનો કર્યા છે. તેણે કહ્યું છે કે ઓમિક્રોન અગાઉના ડેલ્ટા વેરિઅન્ટ કરતાં વધારે ખતરનાક નથી. તેમજ હાલની કોરોના-વિરોધી રસીઓ નવા ઓમિક્રોન વેરિઅન્ટ સામે અસરકારક છે.

WHOના ઈમરજન્સીઝ ડાયરેક્ટર માઈકલ રાયને એએફપી સમાચાર સંસ્થાને આપેલી એક મુલાકાતમાં કહ્યું છે કે ઓમિક્રોન કોવિડ-19ના અગાઉના ડેલ્ટા જેવા વેરિઅન્ટ કરતાં વધારે ચેપી અને ખતરનાક છે એવું માનવાને હાલ કોઈ સંકેત મળ્યા નથી. તેથી ઓમિક્રોન ડેલ્ટા કરતાંય વધારે ખતરનાક છે એવું માની લેવું ન જોઈએ. સાથોસાથ, ઓમિક્રોનના ફેલાવાને અંકુશમાં રાખવામાં હાલની રસીઓ અસરકારક નથી એવું પણ માનવાની જરૂર નથી.