કાઠમંડુઃ નેપાળની તારા એરની ફ્લાઈટ ગઈ કાલે સવારે દુર્ઘટનાગ્રસ્ત થયા બાદ પર્વતીય વિસ્તારમાંથી 21 મૃતદેહો મળી આવ્યા છે. નેપાળના મુલ્કી ઉડ્ડયન અધિકારીઓએ કહ્યું છે કે મૃતદેહોની ઓળખ કરવાની હજી બાકી છે. તે કમનસીબ વિમાનમાં 3 નેપાળવાસી ક્રૂ સભ્યો સહિત 22 જણ હતા.
તે વિમાનમાં ચાર મુંબઈવાસી મુસાફર પણ હતાં – અશોકકુમાર ત્રિપાઠી, ધનુષ ત્રિપાઠી, રિતીકા ત્રિપાઠી અને વૈભવી ત્રિપાઠી. તેઓ એક જ પરિવારનાં સભ્યો હતાં અને મુંબઈની પડોશના થાણે શહેરના રહેવાસીઓ હતાં. ઓડિશામાં એક કંપની ચલાવતા 54 વર્ષીય અશોક એમની 51 વર્ષીય પત્ની વૈભવીથી વર્ષોથી અલગ રહેતા હતા. એમનો છૂટાછેડાનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો હતો. વૈભવી મુંબઈમાં બીકેસી ખાતે એક કંપનીમાં નોકરી કરતાં હતાં. વૈભવી એમનાં પુત્ર ધનુષ (22) અને પુત્રી રિતીકા (15) સાથે થાણે શહેરમાં રહેતાં હતાં. કોર્ટનો અશોક અને વૈભવીને આદેશ હતો કે એમણે નિર્ણય લેવાય ત્યાં સુધી એમણે અલગ રહેવું, પરંતુ દર વર્ષે 10 દિવસ સાથે રહેવું. તેથી ચારેય પરિવારજનો રજા માણવા માટે સાથે નેપાળ ગયાં હતાં. વૈભવીનાં ફ્લેટમાં એમનાં 80 વર્ષીય માતા પણ એમની સાથે રહે છે. પરિવારસભ્યોનાં વિમાન દુર્ઘટનામાં મરણ થયાના સમાચાર હજી સગાંસંબંધીઓએ એમને જણાવ્યા નથી. માતાની તબિયત ખરાબ રહે છે અને એમને ઓક્સિજન પર રાખવામાં આવ્યાં છે. હાલ એમની નાની દીકરી એમનું ધ્યાન રાખે છે.