તાલિબાને અફઘાનિસ્તાન કબજે કરતાં આતંકવાદીઓના જુસ્સામાં વધારોઃ રિપોર્ટ

નવી દિલ્હીઃ ગયા વર્ષે ઓગસ્ટમાં તાલિબાનોએ જ્યારથી અફઘાનિસ્તાન પર કબજો જમાવ્યો છે, ત્યારથી નશીલા પદાર્થો (નાર્કોટિક્સ)ના સપ્લાયમાં નોંધપાત્ર વધારો થયો છે અને આ ઉપરાંત ભારતવિરોધી વિદેશી આતંકવાદી જૂથો જેવાં કે જૈશ-એ-મોહમ્મદ (JiM) તેમ જ લશ્કરે તૈયબા (Let)ની કામગીરીમાં વધારો થયો છે, એમ સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદ (UNSC)ના રિપોર્ટ- જે પ્રતિબંધોની દેખરેખ રાખતી ટીમ તાલિબાન સેક્શન્સ કમિટીના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે.

આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વર્ષ 2021ના બીજા અર્ધવાર્ષિક ગાળામાં અફઘાન મૂળના ડ્રગ્સ સપ્લાયમાં નોંધપાત્ર વધારો થયો છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે સપ્ટેમ્બર, 2021માં ભારતમાં અફઘાન મૂળની ત્રણ ટન હેરોઇન જપ્ત થઈ હતી. આ સાથે તાલિબાને અફઘાનિસ્તાનમાં સત્તાનાં સૂત્રો સંભાળ્યા ઇરાન તેમ જ તુર્કીના માધ્યમ દ્વારા યુરોપમાં ડ્રગ્સની દાણચોરીમાં 50 ટકાનો વધારો થયો છે.અફઘાનિસ્તાનમાં તાલિબાનની જીતથી વિશ્વભરનાં આતંકવાદીઓને પ્રોત્સાહન મળ્યું છે. વળી, ભારતમાં થયેલા પઠાનકોટ, ઉરી અને 26/11ના મુંબઈ આતંકવાદી હુમલા સહિત કેટલાય આતંકવાદી હુમલાઓ માટે પાકિસ્તાન સ્થિત જૈશ અને લશ્કર જેવા આતંકવાદી સંગઠનો જવાબદાર છે. જોકે આ બંને જૂથોની સાથે ઇસ્ટર્ન તુર્કીસ્તાન ઇસ્લામિક મુવમેન્ચ અથવા ETIM જૂથના આતંકવાદીઓની સંખ્યા ઘણી મોટી છે.

આ સાથે UNSCના રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે JiM (જૈશ)એ તાલિબાનને ટેકો પૂરો પાડયા પછી લશ્કરે તૈયબાનો નેતા માવલાહી અસાદુલ્લાએ તાલિબાનના ડેપ્યુટી ઇન્ટિરિયર પ્રધાન નૂર ઝલિલ સાથે  જાન્યુઆરી, 2022માં મુલાકાત કરી હતી, જે પછી લશ્કરે તૈયબાના તાલીમ કેમ્પની તાલિબાનના પ્રતિનિધિ મંડળે મુલાકાત લીધી હતી.