ટામેટાં લઇ લ્યો, પીઓકે આપી દ્યોઃ આ ગામે ઇમરાનને કરી આ ઓફર!!

ઝાબુઆઃ મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના ખેડૂતોએ પાડોશી દેશની મદદ માટે હાથ ઊંચા કર્યા છે, પાકિસ્તાનમાં ટામેટાંના ભાવ આસમાને પહોંચ્યાં છે તેના પર એક શરત સાથે ટામેટાં મોકલવા ઓફર કરી છે. પરંતુ  શરત એ છે કે તેઓ ‘પીઓકે’ છોડી દે. ઝાબુઆના ખેડૂતોએ પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનને એક સંદેશ મોકલ્યો છે અને કહ્યું છે કે જો તે પાકિસ્તાનના કબજા હેઠળનું કાશ્મીર (પીઓકે) છોડે છે, તો તેના બદલે અહીંના ખેડૂતો તેમને ટામેટાં મોકલવા માટે તૈયાર છે.

આ દિવસોમાં ટામેટાં પાકિસ્તાનમાં 400 થી 500 રૂપિયામાં વેચાઇ રહ્યાં છે. જ્યારે ઝાબુઆ જિલ્લાના પેટલાવડના ખેડૂતોને મીડિયા દ્વારા આ વાતની જાણ થતાં તેઓએ વાઘા બોર્ડર દ્વારા ટામેટાં મોકલવાની પહેલ કરી હતી. ભારતીય ખેડૂત સંઘના ઝાબુઆ એકમે 22 નવેમ્બરના રોજ પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનને એક પત્ર લખ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, “પાકિસ્તાને અમારા દેશમાં નિર્દોષો પર હુમલો કર્યો છે, આતંકવાદ ફેલાવ્યો છે, મુંબઈ પર હુમલો કર્યો છે અને પછી પુલવામાની ઘટનાને અંજામ આપ્યો છે. પાકિસ્તાને તેના આ દુષ્કર્મ બદલ માફી માંગી લે અને દાઉદ ઇબ્રાહિમ અને અન્ય આતંકવાદીઓને પીઓકે સાથેનો હવાલો સોંપવા ભારતને સોંપશે, તો ભારતીય ખેડૂત સંઘ પાકિસ્તાનને ટામેટાં મોકલવાનું શરૂ કરશે.”

સંઘના પત્ર મુજબ ફક્ત આતંકી પ્રવૃત્તિઓના વિરોધમાં ભારતીય કિસાન યુનિયન (બીકેયુ) એ પાકિસ્તાનને ટામેટાં મોકલવાનું બંધ કર્યું હતું. અગાઉ પેટલાવડમાં ઉગાડવામાં આવતા ટામેટાં વાઘા બોર્ડર દ્વારા મોટી માત્રામાં પાકિસ્તાન મોકલવામાં આવતા હતાં.

ભારતીય કિસાન યુનિયન ઝાબુઆ જિલ્લા એકમના પ્રમુખ મહેન્દ્ર હમાદે પણ પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનને ટ્વીટ કરીને પોતાનો સંદેશ મોકલ્યો છે. આ ટ્વિટ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પણ રિટ્વીટ કરવામાં આવ્યું છે. ભારતીય કિસાન યુનિયનના રાજ્ય મહામંત્રી અનિલ યાદવે આઈએએનએસને જણાવ્યું હતું કે ઝાબુઆના પેટલાવડમાં ટામેટાંનું મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય છે. અહીંના ટામેટા પાકિસ્તાનમાં જતાં હતાં, પરંતુ વધતી આતંકવાદી પ્રવૃત્તિઓ પછી અહીંથી ટામેટાં પાકિસ્તાન મોકલવાનું બંધ કરાયું હતું. તે પ્રતિબંધ હજી પણ ચાલુ છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]