નવી દિલ્હીઃ કોરોનાના નવા વેરિયેન્ટ ઓમિક્રોનના કેસો વિશ્વમાં ઝડપથી વધી રહ્યા છે, જેથી કેટલાય દેશોમાં ફરી એક વાર નિયંત્રણો લાદવામાં આવી રહ્યાં છે. વિશ્વના 116 દેશોમાં ઓમિક્રોન પ્રસરી ચૂક્યો છે. વિશ્વમાં સોમવારે 2800થી વધુ ફ્લાઇટ્સ રદ થઈ હતી, જ્યારે 11,000થી વધુ ફ્લાઇટ્સમાં વિલંબ થયો છે. અમેરિકામાં આશરે 1000 ફ્લાઇટ્સ રસ કરવી પડી હતી. જેથી પ્રવાસીઓ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
એરલાઇન્સ કંપનીઓ માટે ક્રિસમસ અને નવા વર્ષનો સમય સૌથી મહત્ત્વનો છે, પણ વિશ્વમાં ઓમિક્રોનના વધતા કેસોને કારમે ફ્લાઇટ્સ ખરાબ રીતે પ્રભાવિત થઈ છે. આ પહેલાં 24,25 અને 26 ડિસેમ્બરે વિશ્વમાં 6000થી વધુ ફ્લાઇટો રસ કરવી પડી હતી અને 5000થી વધુ ફ્લાઇટ્સ વિલંબિત થઈ હતી. સોમવારે અલાસ્કા એરલાઇન્સે 133 ફ્લાઇટ્સ રદ કરી હતી, જે કંપનીના કુલ ઓપરેશન્સનો 19 ટકા છે.
યુરોપના કેટલાક દેશોમાં કોરોનાના કેસોમાં રેકોર્ડ ઉછાળો આવ્યો છે. બ્રિટિશ એરવેઝે કહ્યું હતું કે એરવેઝે કેટલીય ફ્લાઇટ્સ રદ કરવી પડી હતી. એરલાઇન્સ કંપનીઓએ સોમવારે 46 ફ્લાઇટ્સ રદ કરવી પડી હતી. જર્મનીની લુફ્થાન્સા એરલાઇન્સે કહ્યું હતું કે રોગચાળામાંથી એવિયેશન ઉદ્યોગ હજી પણ બહાર નીકળી શકી નથી અને શિયાળામાં 10 ટકા ફ્લાઇટ્સ રદ કરવી પડશે.