ઓમિક્રોન સામે કાપડનું-માસ્ક ન ચાલેઃ આરોગ્ય નિષ્ણાતો

વોશિંગ્ટનઃ કાપડનું માસ્ક તો માત્ર ચહેરા પર સુશોભન જેવું છે. ઓમિક્રોન વાઈરસ સામેના જંગમાં એનું કંઈ કામ નહીં. આ અભિપ્રાય સીએનએન મેડિકલ એનલિસ્ટ ડો. લીના વેને વ્યક્ત કર્યો છે. તેઓ ઈમરજન્સી ફિઝિશ્યન છે અને જ્યોર્જ વોશિંગ્ટન યુનિવર્સિટી મિલ્કન ઈન્સ્ટિટ્યૂટ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થ ખાતે હેલ્થ પોલિસી અને મેનેજમેન્ટના પ્રોફેસર પણ છે. ઘણા મેડિકલ સ્ટોર અને જનરલ સ્ટોરમાં મળતા ફેસ કવરિંગ (માસ્ક)નો ઉલ્લેખ કરતાં ડો. વેને કહ્યું કે, આપણે ઓછામાં ઓછા ત્રણ-સ્તરવાળા સર્જિકલ માસ્ક પહેરવાની જરૂર છે. તમે સર્જિકલ માસ્કની ઉપર કાપડનું માસ્ક પહેરી શકો, પણ એકલું કાપડનું માસ્ક પહેરવું ન જોઈએ. જર્મની અને ઓસ્ટ્રિયા સહિત અનેક દેશોમાં લોકો હવે મેડિકલ-ગ્રેડનું સર્જિકલ માસ્ક જ પહેરવા લાગ્યા છે.

મેસેચ્યુશેટ્સ ડાર્ટમાઉથ યુનિવર્સિટી ખાતે બાયોલોજીના સહયોગી પ્રોફેસર એરિન બ્રોમેગનું કહેવું છે કે કાપડનું માસ્ક કોઈ ચેપગ્રસ્ત વ્યક્તિની શ્વાસનળીમાંથી આવતાં મોટાં બુંદને ફિલ્ટર કરી શકે, અવરોધી શકે, પરંતુ N95 માસ્ક વધારે અસરકારક છે, જે સામેવાળી વ્યક્તિના મોટા અને અતિ નાના બુંદને પણ ફિલ્ટર કરી શકે છે અને એ રીતે તે કોવિડ-19નો ફેલાવો રોકી શકે છે. વર્જિનિયા ટેક સંશોધક લિન્સે મારનું કહેવું છે કે કાપડના માસ્ક ઓમિક્રોન સામે લડી શકે નહીં.