માલદીવમાં રાજકીય સંકટ ચરમસીમાએ, SCએ આપ્યો રાષ્ટ્રપતિની ધરપકડનો આદેશ

માલદીવ- માલદીવમાં સરકાર અને સુપ્રીમ કોર્ટ વચ્ચે ટકરાવ વધી રહ્યો છે. સ્થિતિ એટલી ગંભીર બની છે કે, માલદીવની સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામીનની ધરપકડનો આદેશ આપ્યો છે. જોકે રાષ્ટ્રપતિએ કોર્ટનો આદેશ માનવાનો ઈનકાર કર્યો છે. માલદીવની સેનાએ ગતરોજ સંસદ પરિસરનો ઘેરાવ કર્યો હતો. આ રાજકીય અસ્થિરતા વચ્ચે માલદીવની સુપ્રીમ કોર્ટે ભારત સહિત અન્ય લોકશાહી દેશો પાસે મદદ માટે અપીલ કરી છે..શું છે વિવાદ?

માલદીવ સુપ્રીમ કોર્ટે ગુરુવારે પૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ નશીદ સહિત જેલમાં બંધ અન્ય કેદીઓને તાત્કાલીક અસરથી છોડવા આદેશ કર્યો હતો. પરંતુ વર્તમાન રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામીને સુપ્રીમ કોર્ટનો આદેશ માનવાથી ઈનકાર કર્યો હતો.

માલદીવ સુપ્રીમ કોર્ટે મોહમ્મદ નશીદ સહિત 9 રાજકીય બંધકોને છોડવા અને 12 સાંસદોને ફરીથી તેમના પદ પર નિયુક્ત કરવા આદેશ કર્યો હતો. કોર્ટે જણાવ્યું કે, બંધક બનાવાયેલા નેતાઓને છોડી મુકવા જોઈએ કારણકે તેમના વિરુદ્ધના કેસ રાજનીતિથી પ્રેરિત થઈને કરવામાં આવ્યા હતા.

યામીનનું રાષ્ટ્રપતિ પદ જોખમમાં

જો કોર્ટનો આદેશ માનવામાં આવે અને બંધક બનાવાયેલા 12 સાંસદોને ફરીથી તેમના પદ પર નિયુક્ત કરવામાં આવે તો, વર્તમાન રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામીનની પાર્ટી અલ્પમતમાં આવી જશે. ત્યારબાદ તેમના ઉપર મહાભિયોગ ચલાવવામાં આવે તેવી શક્યતા જોવાઈ રહી છે. આવું એટલા માટે થઈ શકે છે કારણકે બંધક બનાવાયેલા 12 સાંસદો સત્તાપક્ષથી છેડો ફાડી વિપક્ષમાં જોડાઈ ગયા હતા.

આપને જણાવી દઈએ કે, માલદીવમાં ઘણા લાંબા સમયથી રાજકીય સંકટ ચાલી રહ્યું છે. અહીંની સંસદ ‘પીપલ્સ મજલિસ’ની અંદર ગત વર્ષ માર્ચ મહિનાથી જ સેના તહેનાત કરવામાં આવી છે. સરકાર તરફથી જણાવવામાં આવ્યું છે કે, સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલો રાષ્ટ્રપતિની ધરપકડનો કોઈ પણ આદેશ અસંવૈધાનિક ગણવામાં આવશે જેથી સેના અથવા પોલીસે આવા કોઈ પણ આદેશનું પાલન કરવું નહીં.