મુંબઈઃ મુંબઈમાં થયેલા 26/11 આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ અને આતંકવાદી સંગઠન લશ્કરે તૈયબાના ઓપરેશન કમાન્ડર જકી-ઉર-રહેમાન લખવીની પાકિસ્તાને ધરપકડ કરી છે. લખવીની ટેરર ફન્ડિંગના મામલે ધરપકડ કરવામાં આવી છે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું. અહેવાલ મુજબ લશ્કર જેવા ખતરનાક આતંકવાદી સંગઠનના ચીફ લખવીની પાકિસ્તાનના પંજાબ પ્રાંતથી ધરપકડ કરવામાં આવી છે. તેની પાકિસ્તાનના કાઉન્ટર ટેરર ડિપાર્ટમેન્ટે (CTD) ધરપકડ કરી છે.
લખવી 2015થી 26/11 હુમલાના આરોપમાં પાકિસ્તાનમાં જમાનત પર હતો. લખવીની ધરપકડ કરવા માટે પાકિસ્તાનના આતંકવાદીવિરોધી વિભાગે જાસૂસી ઓપરેશન ચલાવ્યું હતું. જે પછી તેની ધરપકડ કરવામાં આવી હતી. CTDએ લખવીની ધરપકડ પર કહ્યું હતું કે 61 વર્ષના લખવીની સામે લાહોરના એક પોલીસ સ્ટેસનમાં ટેરર ફન્ડિંગનો કેસ નોંધવામાં આવ્યો છે. લખવીનો કેસ લાહોરની આતંકવાદીવિરોધી કોર્ટમાં ચાલશે.
બ્લેક લિસ્ટમાંથી બચવા પાકિસ્તાનના હવાતિયાં
લખવીની ધરપકડ કરીને પાકિસ્તાન એ બતાવવાની કોશિશ કરી રહ્યો છે. એ આતંકવાદીઓ સામે સખત છે. જોકે આ પૂરી કવાયત FATFની બ્લેક લિસ્ટથી બચવા માટે છે. આ પહેલાં લખવીનું નામ 26/11 હુમલાના માસ્ટરમાઇડના રૂપે સામે આવ્યું હતું. ભારત સરકારે મુંબઈ હુમલા પછી પાકિસ્તાનનો એની સામેના અનેક પુરાવા આપ્યા હતા. મુંબઈ હુમલા પછી લખવીને સંયુક્ત રાષ્ટ્રએ આંતરરાષ્ટ્રીય સ્તરે આતંવાદી જાહેર કર્યો હતો.