મોસ્કોઃ એક બાજુ રશિયા અને એના પડોશી યૂક્રેન વચ્ચે દોઢ વર્ષથી લોહિયાળ યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે બીજી બાજુ, ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ-ઉન વિશેષ રેલવે સેવા મારફત રશિયા પહોંચ્યા છે. એમની સાથે શસ્ત્રોના નિષ્ણાતો પણ આવ્યા છે.
કિમ જોંગની આ રશિયા મુલાકાત પર આખી દુનિયાની મીટ મંડાયેલી છે. આ મુલાકાત દરમિયાન ઉત્તર કોરિયા અને રશિયા વચ્ચે શસ્ત્રોને લગતો કોઈક કરાર થાય એવી ધારણા છે. એને કારણે જાપાન, દક્ષિણ કોરિયા તથા પશ્ચિમી દેશોનું ટેન્શન વધી ગયું છે.
જાપાની મીડિયા અહેવાલો અનુસાર, કિમ જોંગ એક ખાનગી વિશેષ રેલવે ટ્રેન દ્વારા ઉત્તર કોરિયાના પાટનગર પ્યોંગયાંગથી રશિયા પહોંચ્યા છે. આ અત્યંત ખાસ ટ્રેન તમામ પ્રકારની સુવિધાઓથી સંપન્ન છે. કિમ મોસ્કોમાં રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનને મળવાના છે. કિમની સાથે એમના વિદેશ પ્રધાન અને લશ્કરી અધિકારીઓ પણ મોસ્કો આવ્યા છે.