ન્યૂયોર્કઃ એમેઝોન કંપનીના સ્થાપક અને અબજોપતિ ઉદ્યોજક જેફ બેઝોસે અમેરિકાના લોકોને સલાહ આપી છે કે અમેરિકામાં ટૂંક સમયમાં જ આર્થિક મંદી ફરી વળવાની સંભાવના હોવાથી એમણે આગામી રજાની મોસમમાં નવા ટીવી, રેફ્રિજરેટર કે કાર ખરીદવા નહીં અને એને બદલે રોકડ નાણાંને હાથવગાં-સંભાળીને રાખવા.
ઉદ્યોગ ક્ષેત્રના આ માંધાતાએ ગયા મહિને એમના પ્રશંસકોને કહ્યું હતું કે ‘આગામી કટોકટીમાં ટકી રહેવું હોય તો સજ્જ રહેજો.’ એક ઈન્ટરવ્યૂમાં જ્યારે બેઝોસનને આ ટ્વીટ અંગે પૂછવામાં આવ્યું ત્યારે એમણે કહ્યું હતું કે આ સલાહ ઉદ્યોગ માલિકો અને ગ્રાહકો, એમ બંને માટે હતી. ગ્રાહકોએ મોટી ખરીદી કરવાનું થોડોક સમય સુધી મુલતવી રાખવું જોઈએ જ્યારે મોટી બિઝનેસ માલિકોએ હસ્તાંતરણ અને મૂડી ખર્ચ કરવાનું હમણાં ટાળવું જોઈએ, કારણ કે અમેરિકામાં ખૂબ ટૂંક સમયમાં આર્થિક મંદી ફરી વળે એવી સંભાવના છે.
(તસવીર સૌજન્યઃ @JeffBezos)