કાશ્મીર ભારતનું છે, હતું અને રહેશેઃ UNમાં સુધાંશુ ત્રિવેદી

નવી દિલ્હીઃ રાજ્યસભાના સાંસદ અને ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનને આકરી ફટકાર લગાવી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીર ભારતનું અભિન્ન અંગ રહેશે. UN શાંતિ અભિયાન પર ચર્ચા દરમિયાન પાકિસ્તાનના પ્રતિનિધિએ કહ્યું કે UN પીસકીપર્સ સાથે પાકિસ્તાનની સામેલગીરી ત્યારે શરૂ થઈ જ્યારે યુએનએ 1948માં જમ્મુ અને કાશ્મીરના વિવાદિત ક્ષેત્રમાં શાંતિ રક્ષકોને તહેનાત કર્યા.

ભાજપના સાંસદ સુધાંશુ ત્રિવેદીએ પાકિસ્તાનના આ દાવા સામે વાંધો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે આ એક બિનજરૂરી ઉલ્લેખ છે. ત્રિવેદીએ કહ્યું હતું કે પાકિસ્તાને ફરી એક વાર આ પ્રતિષ્ઠિત સંસ્થાને તેના એજન્ડામાંથી હટાવવાનો પ્રયાસ કર્યો છે. તેમણે પાકિસ્તાનની ટિપ્પણીનો જડબાતોડ જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે જમ્મુ અને કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશ ભારતનો અભિન્ન અંગ હતો, છે અને રહેશે.

જમ્મુ-કાશ્મીરના લોકોએ તાજેતરમાં જ તેમના લોકતાંત્રિક અને ચૂંટણી અધિકારોનો ઉપયોગ કરીને નવી સરકારને ચૂંટી કાઢી છે. પાકિસ્તાને આવા નિવેદનો અને જુઠ્ઠાણાથી દૂર રહેવું જોઈએ, કારણ કે તેનાથી તથ્યો બદલાશે નહીં, એમ તેમણે કહ્યું હતું

કોંગ્રેસ નેતા રાજીવ શુક્લાએ પણ સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા છે. હકીકતમાં તેમણે કહ્યું હતું કે પાકિસ્તાન વારંવાર ખોટી માહિતી ફેલાવે છે, પરંતુ જમીની વાસ્તવિકતા જુદી છે. પાકિસ્તાનને જૂઠ અને ભ્રામક માહિતી ફેલાવવાની આદત છે.