શિકાગોઃ કલા-નિપુણ વિદેશી કામદારો માટે અમેરિકા દ્વારા દર વર્ષે ઈસ્યૂ કરાતા વિઝાની સંખ્યામાં ધરખમપણે કાપ મૂકવાના ટ્રમ્પ વહીવટીતંત્રના બે નિયમને એક ફેડરલ જજે ફગાવી દીધા છે.
નિપુણ વિદેશી કામદારો માટેના H-1B વિઝા માટેની અરજીમાં ફેરફારોની જાહેરાત ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા ગયા ઓક્ટોબરમાં કરવામાં આવી હતી. એમાં વિદેશી નિપુણ કામદારોને નોકરીએ રાખતી કંપનીઓ પર એવા કામદારોના પગારને લગતી અમુક જરૂરિયાતો લાદવામાં આવી હતી તેમજ વિશિષ્ટ પદોની સંખ્યા ઉપર મર્યાદા પણ મૂકવામાં આવી હતી.
ઘણા લોકોને કોરોના વાઈરસ રોગચાળાને કારણે નોકરીઓ ગુમાવવી પડે એમ છે તેમજ ટ્રમ્પ સરકારના નિયમને કારણે એચ-1બી વિઝા માટે અરજી કરનાર એક-તૃતિયાંશ ભાગના લોકો પણ અમેરિકામાં નોકરીથી વંચિત રહી જાય એવો અંદાજ હોવાથી અમેરિકાના ગૃહ મંત્રાલયે આ બાબતમાં તાત્કાલિક નિર્ણય લેવાય એવી ઈચ્છા રાખી હતી. કેલિફોર્નિયામાં, યૂએસ ડિસ્ટ્રીક્ટ જજ જેફ્રી વ્હાઈટે એમના ચુકાદામાં કહ્યું કે સરકારે પારદર્શક પ્રક્રિયાઓનું અનુસરણ કર્યું નથી. વળી, કોરોના રોગચાળાને કારણે અમેરિકન નાગરિકોની નોકરીઓ ચાલી જશે તેથી તાકીદની પરિસ્થિતિ ઊભી થવાથી આ નિયમો લાગુ કરવાની જરૂર છે એવી તેની દલીલ પણ ગળે ઉતરતી નથી.