ટોક્યોઃ કોરોનાવાઈરસના ફેલાવાને કારણે બે વર્ષ સુધી સરહદો બંધ રાખ્યા બાદ જાપાને તેને કેટલાક વિદેશી પર્યટકો માટે ફરી ખુલ્લી મૂકી છે. કોરોનાનું જોર ઘટી જતાં દેશના પર્યટન ક્ષેત્ર તથા અર્થતંત્રને સહાયરૂપ થાય એ માટે જાપાન સરકારે આ પગલું ભર્યું છે.
જાપાન સરકારે શરૂઆતમાં અમેરિકા, બ્રિટન, ચીન, સાઉથ કરિયા, ઈન્ડોનેશિયા, થાઈલેન્ડ સહિત 98 દેશોનાં પર્યટકો માટે પોતાની સરહદોને ખુલ્લી મૂકી છે. આ દેશનાં લોકોને કોવિડ-19નું જોખમ ઘટી જતાં એમને માટેના પ્રવેશ-નિયમો જાપાને હળવા કર્યા છે. આ દેશોનાં લોકોએ જાપાનમાં પહોંચ્યા બાદ કોવિડ-19નું ટેસ્ટિંગ કરાવવું નહીં પડે તેમજ કોઈ પણ સમય માટે ક્વોરન્ટીન થવાની જરૂર પણ નહીં રહે. આ દેશોનાં જે લોકોએ કોરોના-પ્રતિરોધક રસી નહીં લીધી હોય તો પણ એમને જાપાનમાં પ્રવેશ અપાશે. જોકે હાલ દરરોજ 20,000 વિદેશી પર્યટકોને જ એન્ટ્રી અપાશે.