નવી દિલ્હીઃ ઇઝરાયલ અને હમાસની વચ્ચે ગયા વર્ષની સાત ઓક્ટોબરથી યુદ્ધ થઈ રહ્યું છે.આ યુદ્ધમાં હવે હમાસ નબળું પડવા લાગ્યું છે. એક પછી એક હમાસના બધા ટોચના નેતાઓ અને અધિકારીઓને ઇઝરાયલ મારી રહ્યું છે. હવે ઇઝરાયલીની સેનાએ એલાન કર્યું છે કે હમાસના મિલિટરી ચીફ મોહમ્મદ ડાયફને મારી નાખ્યો છે. ઇઝરાયલે જુલાઈમાં એક એરસ્ટ્રાઇકમાં ડાયફના માર્યા જવાનો દાવો કર્યો હતો.
ઇઝરાયલ ડિફેન્સ ફોર્સે સોશિયલ મિડિયા X પર મોહમ્મદ ડાયફના માર્યા જવાના અહેવાલની પુષ્ટિ કરી છે. મોહમ્મદ ડાયફે ઇઝરાયલ પર થયેલા સાત ઓક્ટોબરના હુમલાની પાછળના માસ્ટર માઇન્ડમાંથી એક માનવામાં આવે છે. તે હમાસના સેનાનો વડો હતો. સાત ઓક્ટોબરે હમાસે ઇઝરાયલમાં ઘૂસીને 1200 લોકોની હત્યા કરી હતી અને સેંકડો લોકોને બંધક બનાવ્યા હતા. હમાસ એ લોકોને ગાઝા પટ્ટીમાં લઈ ગયું હતું.
We can now confirm: Mohammed Deif was eliminated.
— Israel Defense Forces (@IDF) August 1, 2024
ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસે જણાવ્યું હતું કે IDF લડાકુ વિમાનોએ ગાઝાના ખાન યુનિસના વિસ્તારમાં હુમલો કર્યો હતો. જાસૂસી માહિતી પછી પુષ્ટિ થઈ હતી કે આ હુમલામાં મોહમ્મદ ડાયફને મારી નાખવામાં આવ્યો છે. મોહમ્મદ ડાયફ ઇઝરાયલના ટોચના મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં સામેલ હતો. જોકે આ પહેલાં તે કેટલીય વાર ઇઝરાયલને ચકમો આપી ચૂક્યો હતો.
આ પહેલાં ઇઝરાયલે સાત ઓક્ટોબરનો બદલો લઈ લીધો છે. છેલ્લા નવ મહિનાથી બદલાની આગમાં સળગી રહેલા ઇઝરાયલે હમાસના ચીફ ઇસ્માઇલ હાનિયાને ઢેર કર્યો છે. ચોંકાવનારી વાત એ છે કે હાનિયાને ગાઝા, પેલેસ્ટાઇન કે કતારમાં નહીં, પણ ઇરાનની રાજધાની તહેરાનમાં માર્યો ગયો છે. હમાસે નિવેદન જારી કરીને ચીફના મોતની પુષ્ટિ કરી છે. આ પહેલાં ઇઝરાયલી સુરક્ષા દળોએ હાનિયાના ત્રણ પુત્રોને મારી કાઢ્યા હતા.