ઇઝરાયેલે UNના મહાસચિવને દેશમાં પ્રવેશવા પર લગાવ્યો પ્રતિબંધ

નવી દિલ્હીઃ ઇઝરાયેલના વિદેશપ્રધાને સંયુક્ત રાષ્ટ્ર (UN) પર ઇઝરાયેલની વિરુદ્ધ પૂર્વાગ્રહ રાખવાનો આરોપ લગાવતાં કહ્યું હતું કે તેમને દેશમાં ઘૂસવા નહીં દેવામાં આવે. તેમણે કહ્યું હતું કે UN ચીફને દેશમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં નહીં આવે. તેમણે તેમના પર દેશ પ્રત્યે પક્ષપાતી હોવાનો આરોપ લગાવ્યો હતો.

તેમણે કહ્યું હતું કે તેઓ એન્ટોનિયો ગુટેરેસને “પર્સોના નોન ગ્રેટા (અવાંછિત વ્યક્તિ) તરીકે જાહેર કરી રહ્યા છે અને કહ્યું હતું કે તેમને ઇઝરાયેલમાં પ્રવેશતા અટકાવવામાં આવશે.

તેમણે સોશિયલ મિડિયા પ્લેટફોર્મ X પર લખ્યું હતું કે કોઈ પણ વ્યક્તિ ઇઝરાયેલ પર ઇરાનના જઘન્ય હુમલાની સ્પષ્ટપણે નિંદા કરી શકે નહીં, જેમ કે વિશ્વના લગભગ દરેક દેશે કર્યું છે, તે ઇઝરાઇલની ધરતી પર પગ મૂકવાને લાયક નથી.

આ એક એવા સેક્રેટરી-જનરલ છે જેમણે હજી સુધી સાત ઓક્ટોબરે હમાસના હત્યારાઓ દ્વારા કરવામાં આવેલા નરસંહાર અને જાતીય અત્યાચારોની નિંદા કરી નથી. ના તો તેમણે તેમને આતંકવાદી સંગઠન જાહેર કરવાના કોઈ પ્રયત્નોની આગેવાની લીધી છે. હમાસ, હિઝબુલ્લા, હુતીઓ અને હવે ઇરાન – વૈશ્વિક આતંકના આતંકવાદીઓ, બળાત્કારીઓ અને હત્યારાઓને ટેકો આપનારા સેક્રેટરી જનરલને સંયુક્ત રાષ્ટ્રના ઇતિહાસ પર એક કાળા ધબ્બા તરીકે યાદ કરવામાં આવશે.

એન્ટોનિયો ગુટેરેસની સાથે કે તેમના વગર ઇઝરાયેલ પોતાના નાગરિકોનું રક્ષણ કરવાનું અને પોતાના રાષ્ટ્રીય ગૌરવને જાળવી રાખશે, એમ તેમણે કહ્યું હતું.