ન્યૂયોર્કઃ સંયુક્ત રાષ્ટ્ર સંસ્થાની સુરક્ષા પરિષદની બેઠક પૂર્વે કશ્મીર મુદ્દે ભારતે પાકિસ્તાનની ઝાટકણી કાઢી છે અને જમ્મુ-કશ્મીરમાં ગેરકાયદેસર રીતે કબજે કરેલા તમામ વિસ્તારોમાંથી એ તત્કાળ હટી જાય એમ કહ્યું છે. UN ખાતે ભારતનાં કાયમી દૂતાવાસમાં કાઉન્સેલર ડો. કાજલ ભટ્ટે કહ્યું કે પાકિસ્તાનના પ્રતિનિધિએ UN સ્તરે ફરી કશ્મીર મુદ્દો ઉઠાવ્યો છે એટલે એનો જવાબ આપવા માટે મારે આ નિવેદન કરવું પડે છે.
ડો. કાજલ ભટ્ટે કહ્યું કે, હું કશ્મીર મુદ્દે ભારતનું વલણ સ્પષ્ટ કરી દેવા માગું છું. જમ્મુ અને કશ્મીર તથા લદાખનો સમગ્ર કેન્દ્રશાસિત પ્રદેશ કાયમ ભારતનો રહ્યો છે. આમાં એ વિસ્તારો પણ આવી જાય છે જેને પાકિસ્તાને ગેરકાયદેસર રીતે કબજે કર્યા છે. હું પાકિસ્તાનને જણાવું છું કે તે ગેરકાયદેસર કબજે કરેલા તમામ વિસ્તારોને તાત્કાલિક ખાલી કરી દે. ભારત અન્ય પડોશી દેશોની જેમ પાકિસ્તાન સાથે પણ સારા સંબંધ રાખવા ઈચ્છે છે. ભારત શિમલા કરાર અને લાહોર ઘોષણાપત્ર અનુસાર, ભારત કોઈ પણ મુદ્દે દ્વિપક્ષીય અને શાંતિપૂર્ણ વાટાઘાટ કરવા તૈયાર છે. પરંતુ વાટાઘાટ ત્યારે જ શક્ય બનશે જ્યારે વાતાવરણ ત્રાસવાદ અને હિંસાથી મુક્ત હશે.